નીતિશ કુમારને લાલુ યાદવની ઑફરથી બિહારમાં હલચલ તેજ, કોંગ્રેસે પણ કર્યા વખાણ
Bihar Politics: દેશભરમાં વધતી ઠંડીની સાથે બિહારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. નીતિશ કુમારને લાલુ યાદવ તરફથી ઑફર આપ્યા બાદ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું, 'લાલુજીએ આવી વાત મીડિયાને શાંત કરવા માટે કહી હતી. તમે લોકો રોજ પૂછ્યા કરો છો, તો શું બોલે?'
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાને નીતિશ કુમારની વાપસીને લઈને કહ્યું, 'જે પણ ગાંધીવાદી છે, તે અમારી સાથે આવશે. નીતિશ કુમાર ગાંધીવાદી છે, તે ગાંધીના સિદ્ધાંતો પર ચાલે છે.'
આ પણ વાંચોઃ 'આ તો દાઉદ અહિંસા પર પ્રવચન આપતો હોય એવું થયું..' કૃષિ મંત્રીને મુખ્યમંત્રીએ ઝાટક્યાં
મૂંઝવણ ત્યાં છે, અહીં નહીંઃ વિજય ચૌધરી
આ દરમિયાન નીતિશ સરકારમાં મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું કે, આરજેડીના નેતા કહે છે કે, દરવાજા બંધ છે. બીજા મોટા નેતા કહે છે કે, દરવાજા ખુલ્લા છે. આનો અર્થ છે કે, આ મૂંઝવણ ત્યાં છે, અહીં નહીં. અમે જ્યાંના ત્યાં જ છીએ.
આ મામલે LJPR ના પ્રદેશ અધ્યક્ષ રાજૂ તિવારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, તેજસ્વી યાદવ અને આરજેડી સપના જુએ છે. એનડીએ ગઠબંધન સંપૂર્ણ રીતે મજબૂત છે. વળી, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારને લઈને તેજસ્વી યાદવના નિવેદન પર કહ્યું કે, લાલુ યાદવ ડરેલા છે. વળી, આરજેડી નેતા આલોક મહેતાએ કહ્યું, 'લાલુ યાદવે શું કહ્યું મેં નથી સાંભળ્યું, આવી કોઈ વાત હાલ જોવા નથી મળી.'
'નીતિશ કુમાર માટે હંમેશા દરવાજા ખુલ્લા છે'
આ પહેલાં લાલુ યાદવે કહ્યું હતું કે, નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે. નીતિશે પણ દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. નીતિશ આવે છે તો સાથે કેમ નહીં લઈએ? અમે સાથે લઈ લઈશું. નીતિશ સાથે આવે, કામ કરે. આરજેડી સુપ્રીમોનું કહેવું છે કે, નીતિશ કુમાર ભાગી જાય છે, અમે માફ કરી દઇશું. આ પહેલાં તેજસ્વી યાદવનું નિવેદન આવ્યું હતું કે, નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે. પરંતુ, આરજેડીમાં લાલુ યાદવનો નિર્ણય જ સર્વોપરિ માનવામાં આવે છે.