RJDના મેગાપ્લાનથી બિહારના રાજકારણમાં મચી જશે હડકંપ, મુખ્યમંત્રી નીતીશ કુમારને લાગશે ઝટકો!
કોંગ્રેસે નીતીશ કુમારને મનાવવાના પ્રયાસો કર્યા શરૂ
image : Twitter |
Bihar Politics News | બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીવાર એનડીએ સાથે જોડાઈ શકે છે. આ સૌની વચ્ચે હવે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે સૂત્રોનું કહેવું છે કે લાલુ યાદવના નેતૃત્વ હેઠળની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પણ જેડીયુને મોટો આંચકો આપવાની તૈયારી કરી રહી છે.
શું છે રાજદનો પ્લાન?
સૂત્રોના અહેવાલ અનુસાર આરજેડીએ આગામી અમુક કલાકોમાં નીતીશ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેવાની તૈયારી કરી લીધી છે. તેના માટે એક પત્ર પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આજે તે પત્ર રાજભવન મોકલી દેવામાં આવશે. તેના પછી આરજેડી વતી જ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. હાલમાં આરજેડીના ધારાસભ્યોની સંખ્યા 75 છે. તે હવે તેજસ્વી યાદવને સીએમ બનાવવાનો પ્રયાસ કરશે. તેનાથી નીતીશ કુમારની સરકાર પડી જશે અને તેનાથી એનડીએમાં જોડાવા છતાં તેમને કોઈ ફાયદો નહીં થાય તેવા દાવા કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસે નીતીશ કુમારને મનાવવા પ્રયાસ હાથ ધર્યા
બીજી બાજુ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે સ્થિતિને જોતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે નીતીશ કુમાર સાથે વાતચીત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જો નીતીશ કુમારની પાર્ટી જેડીયુ બિહારમાં એનડીએમાં જોડાણનો નિર્ણય કરી લેશે તો I.N.D.I.A ગઠબંધન માટે પણ આ સૌથી મોટો ઝટકો ગણાશે.