બિહારમાં વક્ફ બોર્ડની જમીનને લઈને નીતિશ સરકારનો મોટો નિર્ણય, NDAનું ટેન્શન વધ્યું!
Nitish Government Will Build Madrasas: બિહારમાં વક્ફ બોર્ડની જમીનને લઈને નીતિશ સરકારનો મોટો નિર્ણય લીધો છે. નીતીશ સરકારે વક્ફની જમીન પર 21 નવા મદરેસા બનાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પછી સ્વાભાવિક રીતે જ એનડીએ સરકારનું ટેન્શન વધી ગયું છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી ઝમા ખાને કહ્યું કે, લઘુમતી સમાજની રાજનીતિ કરનારા લોકો માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે. આજે નીતિશ કુમારના નેતૃત્વમાં દરેક સમાજનો વિકાસ થયો છે અને આગળ પણ થતો રહેશે. નવી મદરેસાઓમાં લોકો માટે સારી શિક્ષણ વ્યવસ્થા હશે અને ફરીથી શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
વક્ફ બિલ પર કેન્દ્રને મળ્યું JDUનું સમર્થન
તાજેતરમાં જ જેડીયુ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ)એ વક્ફ બિલ પર વિપક્ષની તમામ આશંકાઓને નકારી કાઢતા કેન્દ્રને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ઘણાં માનનીય સભ્યોની વાત સાંભળી. જેડીયુ બિહારની મોટી પાર્ટી છે. તમામ રજૂઆતો સાંભળ્યા પછી એવું લાગે છે કે, વકફ બોર્ડના કાયદામાં લાવવામાં આવેલો આ સુધારો મુસ્લિમ વિરોધી છે. ક્યાંથી મુસ્લિમ વિરોધી છે? કોણ તેને મુસ્લિમ વિરોધી ગણાવે છે? અહીં અયોધ્યા મંદિર અને ગુરુદ્વારાના ઉદાહરણ અપાઈ રહ્યા છે. જો તમને મંદિર અને સંસ્થા વચ્ચેનું અંતર જ દેખાતું નથી, તો તમે કયો તર્ક આપી રહ્યા છો? આ કોઈ મંદિર નથી, તમારી મસ્જિદ સાથે છેડછાડ કરવાનો કોઈ પ્રયાસ નથી થઈ રહ્યો.’
TDPનું પણ સમર્થન
આ બિલનું સમર્થન કરતાં NDAની સહયોગી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સાંસદ ગંતિ હરીશ મધુરે કહ્યું કે, ટીડીપી વક્ફ સુધારા બિલનું સમર્થન કરે છે. આ સુધારા લાવવા અને ઉદ્દેશ્યને સુવ્યવસ્થિત કરવાની જવાબદારી સરકારની છે. અમે બિલને સમર્થન આપીએ છીએ. અમને તેને સિલેક્ટ કમિટીને મોકલવામાં કોઈ વાંધો નથી.
નવા બિલમાં કોઈ-કઈ જોગવાઈ છે?
જો આપણે હાલના કાયદા અને નવા બિલની જોગવાઈઓની સરખામણી કરીએ, તો અગાઉ વકફ બોર્ડની જમીન પર કોઈ દાવો કરે તો જમીન માલિક ન્યાય માટે વક્ફ ટ્રિબ્યુનલમાં જ જઈ શકતો હતો. બીજી તરફ નવા બિલ પ્રમાણે તેને ટ્રિબ્યુનલ ઉપરાંત રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ અને હાઈકોર્ટમાં અપીલ કરવાનો અધિકાર હશે. અત્યાર સુધી જ્યાં વક્ફ બોર્ડ અને બીજા વચ્ચેના વિવાદમાં વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને જ અંતિમ નિર્ણય માનવામાં આવતો હતો, ત્યારે હવે નવા બિલમાં ટ્રિબ્યુનલના નિર્ણય સામે હાઈકોર્ટમાં જવાનો અધિકાર રહેશે.
બિલમાં આ અધિકારોની વાત
અત્યાર સુધી જ્યાં જૂની મસ્જિદ હોય અથવા જમીન/ પ્રોપર્ટીનો ઉપયોગ ઈસ્લામિક હેતુઓ માટે થતો આવ્યો હોય તો તો પ્રોપર્ટી આપોઆપ વક્ફની માની લેવામાં આવતી હતી. નવા બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જમીન, પ્રોપર્ટી દાન કરશે ત્યારે જ તેને વક્ફની માનવામાં આવશે. ભલે તેના પર મસ્જિદ જ કેમ ન બની હોય. સૌથી મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી વક્ફ બોર્ડમાં મહિલાઓ અને અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે હવે નવા બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે, વક્ફ બોર્ડમાં 2 મહિલાઓ અને 2 અન્ય ધર્મના લોકો હશે.
રેલવે અને સેના બાદ વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન
દેશમાં રેલવે અને સેના બાદ વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે. કહેવાય તો એવું છે કે, આ જમીન અને વક્ફની અબજોની સંપત્તિ અને આ પ્રોપર્ટીથી થતી આવકનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓ, કબ્રસ્તાન, મસ્જિદોમાં ધર્માર્થ અને અનાથાશ્રમમાં ખર્ચ કરવામાં આવે છે તેમાં જ તેનો ખર્ચ થવો જોઈએ પરંતુ એવા આરોપો લાગતા આવ્યા છે કે, વક્ફની પ્રોપર્ટીના નામે ભૂ-માફિયાઓ, રાજકારણીઓ અને પ્રોપર્ટી બિલ્ડરો મોટો ખેલ કરી જાય છે જેના કારણે સામાન્ય મુસ્લિમો અને ગરીબ મુસ્લિમોને કોઈ ફાયદો નથી થતો. કારણ કે વક્ફ બોર્ડ પાસે પહેલેથી જ રાજકીય તુષ્ટિકરણની આડમાં આવી અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી છે, જે અન્ય મુસ્લિમ દેશોમાં પણ નથી. એટલા માટે સરકાર કહે છે કે, જનતાના હિતમાં વક્ફ એક્ટમાં સુધારાવાળું બિલ લાવવામાં આવ્યું છે.