તેજસ્વી યાદવની જન વિશ્વાસ યાત્રાની એસ્કોર્ટ કારનો અકસ્માત, એકનું મોત
તમામ ઘાયલ પોલીસકર્મીઓને પૂર્ણિયાની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે
Image:Screengrab |
Bihar News : બિહારમાં પૂર્ણિયાના બેલૌરીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના કાફલામાં સામેલ વાહન અને એક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયંકર અકસ્માતમાં પોલીસ એસ્કોર્ટ વાહનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 6થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હાલમાં તમામ ઘાયલ પોલીસકર્મીઓને પૂર્ણિયાની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કાફલામાં સામેલ વાહનનો માલિક પૂર્ણિયાનો રહેવાસી છે. મૃતક ડ્રાઈવરની ઓળખ મધુબની ટીઓપી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી મોહમ્મદ હલીમ તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પૂર્ણિયાના એસપી ઉપેન્દ્ર નાથ વર્મા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ડિવાઈડર તોડી અન્ય રૂટ પર જઈ રહેલી કાર સાથે થઇ અથડામણ
ઘટના અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે કાફલામાં સામેલ કાર અચાનક કાબૂ બહાર નીકળી ગઈ હતી અને પછી ડિવાઈડર તોડીને અન્ય રૂટ પર જતી કાર સાથે અથડાઈ હતી, જેમાં કારમાં સવાર અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. પોલીસ હાલમાં મોહમ્મદ હલીમના મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં છે.