‘વડાપ્રધાનના રોડ-શોમાં કાકાનું મોઢું તો ઉતરેલું હતું’, જાહેર સભામાં તેજસ્વી યાદવના નીતીશ-મોદી પર ચાબખાં

Updated: May 15th, 2024


Google NewsGoogle News
‘વડાપ્રધાનના રોડ-શોમાં કાકાનું મોઢું તો ઉતરેલું હતું’, જાહેર સભામાં તેજસ્વી યાદવના નીતીશ-મોદી પર ચાબખાં 1 - image


Bihar Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના ચાર તબક્કામાં બિહાર કુલ 40 બેઠકોમાંથી 19 બેઠકો પર મતદાન થઈ ચુક્યું છે, જ્યારે બાકીના ત્રણ તબક્કામાં બાકીની 21 બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) સારણમાં યોજાયેલી જાહેરસભામાં રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર આકરા પ્રસારો કર્યા છે. તેમણે કહ્યું કે, નીતીશનું તન ત્યાં અને મન અહીં છે. ચાચાએ પલ્ટી મારી નથી, પરંતુ ભાજપે (BJP) તેમને હાઈજેક કર્યા છે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન અંગે કહ્યું કે, ‘તેઓ એટલું ખોટું બોલે છે કે, ગોબરને પણ હલવો બનાવી દે. પટણામાં વડાપ્રધાનના રોડ-શોમાં નીતીશનું મોઢું ઉતરેલું હતું, તેમને નીચે ઊભા રાખ્યા અને મોદી ઉપર ઊભા રહ્યા.’

‘વડાપ્રધાનના રોડ-શોમાં કાકાનું મોઢું ઉતરેલું હતું’

તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પટણામાં યોજાયેલા રોડ-શોમાં નીતીશ કુમારની ઉપસ્થિતિનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘રોડ-શોમાં જોયું, તેમનું (નીતીશકુમાર) મોઢું ઉતરેલું દેખાતું હતું. મને ખૂબ દુઃખ થયું. રોડ-શોમાં તેમને નીચે ઊભા રખાયા અને મોદી પોતે ઉપર ઊભા રહ્યા. આ દરમિયાન કાકા આમ-તેમ જોઈ રહ્યા હતા. હું તમને એકવાત કહેવા માગું છું કે, કાકાનું શરીર ત્યાં છે, પરંતુ તેમનું મન અહીં છે. મોદીજીએ ઉમેદવારી ફોર્મ ભર્યું, પરંતુ કાકા બીમાર પડી ગયા, તેથી ત્યાં ન જઈ શક્યા. કાકાએ કહ્યું હતું કે, જેઓ 14માં આવ્યા છે, તેઓ 24માં આવશે. હું તે જ કામ કરી રહ્યો છું. તેમનું મન છે કે, 14વાળાઓ 24માં આવે.’

‘વડાપ્રધાન એટલું ખોટું બોલે છે કે, ગોબરને પણ હલવો બનાવી દે’

તેજસ્વીએ વડાપ્રધાનના રોડ-શો મુદ્દે કહ્યું કે, ‘34 વર્ષના એક યુવકે નોકરી મુદ્દે વડાપ્રધાનને રસ્તા પર ઉતારી દીધા. વડાપ્રધાન એટલું ખોટું બોલે છે કે, ગોબરને પણ હલવો બનાવી દે. મેં મોદી જેવા જુઠ્ઠા વડાપ્રધાન દુનિયાભરમાં જોયા નથી. તેઓ માત્ર હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદની વાતો કરે છે, લડાવવા માંગે છે. હવે તેઓ કહી રહ્યા છે કે, વિપક્ષના લોકો આવશે તો મંગળસૂત્ર છીનવી લેશે, બે ભેંસ હશે તો એક લઈ લેશે. મંગળસૂત્ર લગ્નમાં પહેરાવાય છે. નરેન્દ્ર મોદીએ કોઈને નોકરી આપી હોય તો લગ્ન થાય ને. મેં પાંચ લાખ નોકરી આપી, લગ્ન કરાવ્યા, મંગળસૂત્ર આપ્યા. અમે લોકોના મંગળસૂત્ર છીનવી નથી રહ્યા. મેં પાંચ લાખ નોકરી આપી. આ ઉપરાંત ત્રણ લાખ પ્રક્રિયા હેઠળ છે. આમ તો હું આઠ લાખ નોકરી આપવાનો હતો, પરંતુ કાકાએ પલટી મારી. કાકા પલટ્યા નથી, ભાજપવાળાઓએ હાઈજેક કરી લીધા છે.’

2009માં અસ્તિત્વમાં આવી તી સારણ બેઠક

તેજસ્વીની બહેન રોહિણી આચાર્ય (Rohini Yadav) સારણ લોકસભા સીટ (Saran Seat) પરથી પહેલીવાર ચૂંટણી લડી રહી છે. સિંગાપોરમાં રહેતી રોહિણીએ પિતાને કિડની ડોનેટ કરી છે, જેને લઈને લાલુ પ્રસાદ યાદવ ઘણીવાર ભાવુક થઈ જાય છે. વર્ષ 2009માં સીમાંકન કરાયા બાદ સારણ બેઠક અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav) પ્રથમ વખત ભાજપના રાજીવ પ્રતાપ રૂડી (Rajiv Pratap Rudy)ને હરાવ્યા હતા. 2014માં રૂડીએ રાબડી દેવીને, 2019માં લાલુની ભાભી ચંદ્રિકા રાયને પરાજય આપ્યો હતો. ભાજપ રોહિણી આચાર્ય પર બહારના ઉમેદવાર હોવાનો આરોપ લગાવી રહી છે જ્યારે રોહિણીનું કહેવું છે કે, તે બહારની નથી પરંતુ આ જગ્યાની દીકરી છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સારણ બેઠક માટે 20મી મેએ મતદાન થશે.


Google NewsGoogle News