'અજાણતાં આવી ઘટનાઓ બને..' રાષ્ટ્રગીતના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો
Bihar News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરૂવારે (20 માર્ચ) ના દિવસે એક કાર્યક્રમમાં હાજરી આવા ગયા હતા. આ દરમિયાન રાષ્ટ્રગીતની વચ્ચે-વચ્ચે વાતો કરતા અને વિચિત્ર હરકતો કરતાં જોવા મળ્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. એકબાજુ જ્યાં વિપક્ષ નીતિશ કુમારની આ હરકત પર આકરા પ્રહાર કરે છે, ત્યાં અમુક નેતાઓનું સમર્થન પણ કર્યું હતું.
નીતિશ કુમારના વર્તનનું સમર્થન
નીતિશ કુમારનું સમર્થન કરતાં બિહારના મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે, વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દો નથી વધ્યો, નીતિશ કુમારના કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીના રૂપે સંપૂર્ણ કાર્યકાળમાં તેમની પ્રામાણિકતા, કર્તવ્ય પ્રતિ તેમની પ્રતિબદ્ધતા અથવા તેમની મહેનત પર પ્રશ્ન ન કરી શક્યાં. એટલે હવે રાષ્ટ્રગીતને લઈને મુદ્દો બનાવી રહ્યા છે. તેમને લાગે છે કે, નીતિશ કુમારથી મોટો કોઈ દેશદ્રોહી નથી. ઘણીવાર અજાણતા એવી ઘટનાઓ બની જાય છે, વિપક્ષ ફક્ત નીતિશ કુમારને બદનામ કરવા પ્રયાસ કરી રહ્યો છે. આવા મુદ્દાનું ચૂંટણીમાં કોઈ મહત્ત્વ નથી.
આ પણ વાંચોઃ VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગીત વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ કહ્યું કે, નીતિશ કુમારથી ભૂલ થઈ ગઈ. સાથે જ કહ્યું કે, જે લોકો આ વિષયને લઈને હોબાળો કરી રહ્યા છે, તેમણે પોતાની અંદર ઝાંખીને જોવું જોઈએ. વળી, ભાજપના મંત્રી રાજૂ સિંહે પણ નીતિશ કુમારનો બચાવ કર્યો. આ સાથે જ ભાજપના મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તાએ કહ્યું કે, નીતિશ રાજીનામું નહીં આપે.
માફી માંગવાનો પ્રશ્ન જ નથી
બીજી બાજું જનતા દળ યુનાઇટેડના મંત્રી મદન સહનીએ નીતિશ કુમારનો બચાવ કરતા કહ્યું કે, નીતિશ કુમારના રાજીનામાં કે માફી માંગવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો.
શું હતી ઘટના?
મુખ્યમંત્રી નીતિશ કુમાર રાષ્ટ્રગીતના સમયે પોતાની પાસે ઊભા પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકતા જોવા મળે છે. નીતિશ કુમાર રાષ્ટ્રગીત દરમિયાન જ અમુક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. આ દરમિયાન દીપક કુમાર ખૂબ જ અસહજ જોવા મળે છે અને ઈશારામાં નીતિશ કુમારને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું કહે છે. પરંતુ, તેમ છતાં નીતિશ કુમાર માનતા નથી અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કરે છે. આ સિવાય ચાલું રાષ્ટ્રગીતમાં હાથ જોડીને લોકોનું અભિવાદન કરતાં પણ જોવા મળે છે.