શપથગ્રહણ પહેલા જ JDUએ તેવર બતાવવાના શરૂ કર્યા! મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પર ઉઠાવ્યો સવાલ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
શપથગ્રહણ પહેલા જ JDUએ તેવર બતાવવાના શરૂ કર્યા! મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પર ઉઠાવ્યો સવાલ 1 - image

KC Tyagi Statement on Agniveer Yojana : લોકસભા ચૂંટણીમાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો 272થી દુર 240 બેઠકો જીતી છે. ઓછી બેઠકો જીતવાના કારણે ભાજપે એનડીએના સાથી પક્ષોના સહારે નવી સરકાર બનાવાવનો નિર્ણય લીધો છે. આમ તો નરેન્દ્ર મોદીને ત્રીજા કાર્યકાળમાં વડાપ્રધાન બનાવવા માટે સાથી પક્ષોનું સમર્થન પત્ર મળ્યું છે અને સરકાર બનાવવાનો પણ દાવો કરી દેવાયો છે, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે, ભાજપે ઓછી બેઠકો જીતવાના કારણે ગઠબંધનના સાથી પક્ષોએ વડાપ્રધાનનું નાક દબાવવાનું શરૂ કરી દીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં જ ગઠબંધનમાં સામેલ જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતાએ મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પર સવાલો ઉઠાવ્યા છે.

જેડીયુના વરિષ્ઠ નેતાએ ભાજપનું વધાર્યું ટેન્શન

જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી.ત્યાગી (K.C.Tyagi)એ નવી સરકાર બનાવાવની તૈયારીઓ વચ્ચે અગ્નિવીર યોજના અને યુસીસી (UCC) સહિત ચાર મુદ્દાઓ પર આંગળી ચીંધી ભાજપનું ટેન્શન વધારી દીધું છે. ત્યાગીએ આજે (06 જૂન) કહ્યું કે, અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવાની અને તેના પર વિચારવાની જરૂર છે. યુસીસી માટે પણ તમામ પક્ષો સાથે વાતચીત કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જાતિવાર ગણતરીને બિહારે જાકારો આપ્યો છે. તેમણે માંગ કરી છે કે, બિહારને રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.

અગ્નિવીર યોજના પર નવેસરથી વિચારણા કરવી જોઈએ : ત્યાગી

કે.સી.ત્યાગીએ કહ્યું કે, ‘બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે UCC અંગે કાયદા પંચને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે યુસીસીના વિરોધમાં નથી, પરંતુ વ્યાપક વિચારણા કરવાની જરૂર છે. અમે અગાઉ ‘એક દેશ એક ચૂંટણી’નું સમર્થન કરી ચુક્યા છીએ. અગ્નિવીર યોજના પર નવેસરથી વિચારણા કરવી જોઈએ. આ યોજનાના કારણે એક મોટા વર્ગમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી. મારું માનવું છે કે, તેમના પરિવારે પણ ચૂંટણીમાં વિરોધ દર્શાવ્યો છે, તેથી તેના વિશે નવેસરથી વિચારવાની જરૂર છે.’

‘અમે લોકોએ બિહારમાં એનડીઓનો જનાદેશ વધાર્યો’

આ પહેલા કે.સી.ત્યાગીએ કહ્યું કે, ‘અમે બિહારમાં લાંબા સમયથી મજબુત પક્ષ તરીકે કાર્યરત છીએ. નીતીશ કુમારે જે રીતે ગુડ ગવર્નેન્સ દ્વારા સમાજના એક મોટા વર્ગનું સમર્થન મેળવ્યું છે તે જનતાએ પણ જોયું છે. અમારી સરકારે મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન આપવાની સાથે તમામ વિભાગોમાં મહિલાઓને અનામત, વંચિત સમાજના લોકોની વ્યાપક ભાગીદારી વધારી છે. અમે લોકોએ બિહારમાં એનડીઓનો જનાદેશ વધાર્યો છે. અમે ફરી એનડીએના મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છીએ.’

‘બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે’

જ્યારે કે.સી.ત્યાગીને પ્રશ્ન કરાયો કે, નવી કેબિનેટમાં JDUને કયા વિભાગો જોઈએ, જેના કારણે શ્રેષ્ઠ કામ થઈ શકે. તો તેમણે કહ્યું કે, ‘જૂના અનુભવો મુજબ અટલ બિહારી વાજપાઈના સમયગાળામાં ઉડ્ડયન મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય હતા. અમે લગભગ 20 વર્ષોથી માંગ કરી રહ્યા છીએ કે, બિહાર (Bihar)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. મંત્રાલયની માંગ મુદ્દે અમારી જિદ પણ નથી અને શરત પણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને નીતીશ કુમાર (CM Nitish Kumar) બિહારના વિકાસ માટે જે શ્રેષ્ઠ સમજશે, તે અમે સ્વિકારી લઈશું.’


Google NewsGoogle News