બિહારમાં ચૂંટણી બાદ ભારે તણાવ: ગોળીબારમાં એકનું મોત, ઈન્ટરનેટ બંધ
Bihar Saran Violence: બિહારમાં પાંચમા તબક્કામાં પાંચ બેઠકો પર મતદાન થયું હતું. પાંચમા તબક્કાના મતદાન બાદ બિહારની સારણ લોકસભા સીટ પર ભારે હિંસા થઈ છે. ભાજપ અને આરજેડીના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો. તેમજ મંગળવારે પણ બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે.
બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ
પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. રોહિણી છપરામાં ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચ્યા ત્યારે બૂથ નંબર 318 અને 319 પર વિવાદ થયો હતો. ઘટના સમયે ત્યાં એસપી અને ડીએમ પણ ત્યાં હાજર હતા. જેમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. જેની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ ઇન્ટરનેટ પણ બે દિવસથી બંધ છે.
સ્થાનિક લોકોનો આરોપ
સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યએ બૂથ પર પહોંચ્યા બાદ મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે હતા. રોહિણી આચાર્યને રોષે ભરાયેલી ભીડને જોતા સ્થળ છોડવું પડ્યું હતું, પરંતુ મંગળવારે સવારે જ્યારે વિવાદ નવેસરથી વધ્યો ત્યારે ગોળીબાર થયો હતો.
સારણના એસપી ગૌરવ મંગલાએ આપી જાણકારી
આ ઘટના પર સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે, "ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે"