બિહારમાં લઠ્ઠાકાંડથી મચ્યો હાહાકાર, 12ના મોત, 38 બિમાર, મૃત્યુઆંક વધવાની આશંકા
Bihar News : બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર મચ્યો છે. રાજ્યના સિવાન અને સારણ જિલ્લામાં ઝેરી દારૂ પિવાના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એકલા સિવાન જિલ્લામાં 38 લોકો બિમાર થતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે તંત્ર દ્વારા મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા બાદ સરકારે તમામ મોતની પુષ્ટિ કરી છે. પોલીસ અને વહિવટી તંત્રએ પણ મૃત્યુઆંક અને બિમારોની સખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
સારણમાં ત્રણના મોત
સિવાન ઉપરાંત સારણ જિલ્લામાં ઝેરી દારુ પિવાના કારણે ત્રણ લોકોના મોત થતા હાહાકાર મચ્યો છે. આ ઉપરાંત આ જિલ્લામાંથી બિમાર હોવાના પણ કેસો સતત સામે આવી રહ્યા છે. સિવાય જિલ્લાના તંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિમાં નવ લોકોના મોત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા ડીએમ અને એસપી પણ દોડતા થયા છે. સિવિલ સર્જન દ્વારા જિલ્લા વહિવટીતંત્રને અપાયેલી સૂચના મુજબ જિલ્લામાં કુલ 38 લોકો બિમાર થયા છે, જેમાંથી 25 લોકોની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ગંભીર ચાર લોકોને પટણાની મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સિવાનમાં નવ લોકોના મોત થયા છે. બીજીતરફ હોસ્પિટલમાં કુલ 42 લોકો પહોંચ્યા હોવાની અને સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી છે.
વહિવટી તંત્ર 24 કલાક એલર્ટ પર, હેલ્પલાઈન નંબર જાહેર
ઝેરી દારુ પિવાના કારણે અનેક લોકો બિમાર પડ્યા હોવાની માહિતી સામે આવતા ડીએમ, એસપી સહિત વહિવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર 06154-24 2008 જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ઘટના અંગે તેમજ મૃતક લોકો અંગે તુરંત સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સદર હોસ્પિટલ સિવાન તેમજ બસંતપુર આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરોને 24 કલાક એલર્ટ પર રહેવા નિર્દેશ અપાયો છે અને વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
पटना: बिहार के उपमुख्यमंत्री विजय कुमार सिन्हा ने कहा, "जहरीली शराब से हुई मौतों के लिए जिम्मेदार लोगों के खिलाफ सरकार सख्त कार्रवाई करेगी" pic.twitter.com/NQf8upLQOO
— IANS Hindi (@IANSKhabar) October 16, 2024
જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે : નાયબ મુખ્યમંત્રી
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ ઝેરીલા દારુની ઘટના અંગે કહ્યું કે, સરકાર ઝેરી દારૂના કારણે થયેલા મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. બીજીતરફ સિવાનના પોલીસ અધિક્ષકે ફરજ પરના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ભગવાનપુર હાટની સાથે બે ચોકીદારોને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સિવાનના પોલીસ અધિક્ષકે SITની રચના કરી છે અને સારણ જિલ્લા સાથે સંયુક્ત દરોડા પાડવાની શરૂઆત કરી છે. આ ઘટનાના સંબંધમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.