એક્સપાયર્ડ દવાથી બને છે દારૂ, પોલીસ-માફિયાની મિલીભગત..', જેડીયુ નેતાનો મોટો ધડાકો
Bihar Hooch Tragedy: બિહારના અમુક વિસ્તારોમાં લઠ્ઠાંકાંડના કારણે 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. અન્ય કેટલાક લોકો સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. એવામાં રાજકીય પક્ષો આક્ષેપોનો વરસાદ કરી રહ્યા છે. જેડીયુના વરિષ્ઠ નેતા ગોપાલ મંડલે લઠ્ઠાંકાંડ થવા પાછળ પોલીસને જ જવાબદાર ઠેરવી છે.
ગોપાલ મંડલે નિવેદન આપ્યું છે કે, ઝેરી દારૂ પીને ગરીબ વ્યક્તિ મોતને ભેટે છે, ગરીબો મહુડો પીવે છે, અહીં ગોળના દારૂમાં એક્સપાયરી ટેબ્લેટ અને સલ્ફાસ મિક્સ કરવામાં આવે છે. જે વ્યક્તિ તેને સહન નથી કરી શકતા તે મોતને ભેટે છે.
પોલીસની મિલીભગત
આ સ્થિતિમાં સુધારો કરવા એક કમિટી બનાવવી જોઈએ અને ગુનેગારોને પકડી એક ઘરમાં બંધ કરી દેવા જોઈએ. પોલીસ સજાગ છે પરંતુ બુટલેગરો સાથે પોલીસની મિલીભગત હોવાથી દારૂ વેચનારાઓનું મનોબળ વધ્યું છે. જિલ્લા અધિકારીએ આકરા પગલાં લે તો સ્થિતિ થાળે પડશે.
આ પણ વાંચોઃ કમાણી જ કરવી હોય તો કોઠા ખોલો...' બિહારમાં લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપ નેતાની જીભ લપસી
ડ્રોનથી દરોડા
એસપી અવધેશ દિક્ષિતના નિર્દેશાનુસાર, આ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી દારૂની ભઠ્ઠીઓની ઓળખ કરી તેને નષ્ટ કરવામાં આવી છે. પોલીસે દારૂનો જથ્થો પણ નષ્ટ કર્યો છે. તેમજ દારૂ બનાવવા વપરાતા સાધનો, ગેસ-ચૂલ્હો, ડ્રમ, અને ગેલનો પણ નષ્ટ કર્યા છે. પોલીસે અત્યારસુધી 140થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. 5000 લીટરથી વધુ દેશી દારૂનો જથ્થો નષ્ટ કર્યો છે. અનેક લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
37 લોકોના મોત
બિહારના સિવાન, છપરા અને ગોપાલગંજ જિલ્લામાં લઠ્ઠાકાંડના કારણે અત્યારસુધી 37 લોકોના મોત નીપજ્યા છે. પોલીસે ઉત્પાદન વિભાગની ટીમ સાથે મળી બૈકુંઠપુર, માંઝા, અને બરૌલી પોલીસ સ્ટેશનમાં દિયારે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જેમાં દેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. ઝેરી દારૂ પીવાથી સૌથી વધુ મોત સિવાન જિલ્લામાં 28 લોકોના મોત થયા હતા, છપરા જિલ્લામાં 7 અને ગોપાલગંજમાં 2 લોકોના મોત થયા છે.