કાવડિયાઓને નડ્યો ગંભીર અકસ્માત, હાઈટેન્શન વાયર સાથે ડીજે ટચ થતાં કરંટ ફેલાયો, 8નાં મોત
8 Kanwariyas Died in Bihar | બિહારના હાજીપુરમાં જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું ડીજે લગાવેલું વાહન હાઇટેન્શન તારની લપેટમાં આવી જતાં આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ પામી ગયાની ઘટનાથી હડકંપ મચી ગયું છે. આ ઘટના માટે ગામના લોકોએ વીજળી વિભાગ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો અને જ્યારે એસડીએમ તથા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા તો ગ્રામીણોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો.
ક્યાં બની ઘટના?
આ ઘટના હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુલતાનપુર ખાતે બની હતી. જ્યાં સાવનના મહિનામાં ગામના છોકરા દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જતા હતા. રવિવારે રાતે પણ તેઓ જળાભિષેક કરવા ડીજે લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર વધારે ઊંચાઈ સુધી આ ડીજેનું સેટઅપ જમાવ્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ હતી.
રસ્તાઓની હાલત પણ બિસ્માર
માહિતી અનુસાર આ ગામમાં રોડ રસ્તાની હાલત એટલી હદે બિસ્માર હતી કે જેના લીધે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે હાઈટેન્શન તારને સ્પર્શી ગઈ હતી. જેના કારણે કરંટ ફેલાયો અને તેના પર હાજર કાવડિયાઓ કરંટની લપેટમાં આવી ગયા. જેના લીધે 8 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા હતા.