બિહાર સરકાર નકામી છે : તમામ દોષિતો ઉપર કાર્યવાહી થવી જોઈએ : નિત્યાનંદ રાય
- છપરા લઠ્ઠાકાંડ : કેન્દ્રના મંત્રીનો પ્રકોપ
- બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે બેજવાબદાર વિધાનો માટે જનતાની માફી માંગવી જોઈએ
નવી દિલ્હી : બિહારના છપરા જિલ્લામાં ઝેરી દારૂ (લઠ્ઠો) પીતા પચાસ લોકોનાં થયેલા મૃત્યુ અને અનેકને આવેલા અંધાપાથી રાજકીય તોફાન શરૂ થઈ ગયું છે, સાથે આક્ષેપ - પ્રત્યાક્ષેપનો સીલસીલો પણ શરૂ થઈ ગયો છે. તેવામાં કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે પણ તે વમળોમાં ઝૂંકાવી દીધું છે.
પત્રકારો સાથે કરેલી વાતચીતમાં તેમણે બિહારની નીતીશ સરકારને નકામી કહી દેતાં રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમારની પણ બેજવાબદાર વિધાનો અંગે ઉગ્ર ટીકા કરી હતી, તેઓએ કહ્યું કે નીતીશ કુમારે તેમનાં આવા બેજવાબદાર વિધાનો માટે જનતાની માફી માંગવી જોઈએ. 'જે શરાબ પીશે તે મરશે' તેવા નીતીશના બેજવાબદાર વિધાનો માટે નિત્યાનંદ રાયે આ ટીકા કરી હતી.
તેમણે કહ્યું બિહાર સરકાર નકામી થઈ ગઈ છે. આ ઘટના અંગે તમામ દોષિતો ઉપર સખત કાર્યવાહી થવી જ જોઈએ.
કેન્દ્રના આ ગૃહ રાજ્ય મંત્રીએ સીધો જ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે બિહારમાં દારૂબંધી છે. પરંતુ મુખ્યમંત્રી સાથે જોડાયેલા લોકો જ દારૂ વેચે છે. અરે ! પોલીસ પણ દારૂ વેચે છે. આમ કહેતા તેમણે પૂછ્યું કે બિહાર સરકાર તેવા લોકો વિરૂદ્ધ કેમ કાર્યવાહી કરતી નથી.
બિહાર સરકાર પર આક્ષેપો મુકતા નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, જ્યારે બિહારમાં ૪૦થી વધુ લોકો દારૂ પીવાથી મૃત્યુ પામ્યા અને ભાજપે બિહાર વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે નીતીશકુમારે શરાબના ઠેકેદારો ઉપર કાર્યવાહી કરવાને બદલે ભાજપ ઉપર સામા આક્ષેપો કરતાં ગુસ્સે પણ થઈ ગયા.
નિત્યાનંદે કહ્યું 'બધા જ જાણે છે કે દારૂ કોણ વેચે છે.' આ સાથે તેમણે નિર્દોષ લોકોને નિશાન બનાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, દારૂબંધીના નિયમો તેમણે સખત રીતે અમલી કરવા જોઈએ.