'સત્યાગ્રહને કારણે નહીં પણ હાથમાં હથિયાર જોઈ અંગ્રેજો ભાગ્યા...', બિહારના રાજ્યપાલનો બફાટ
Bihar Governor Rajendra Arlekar: બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે અંગ્રેજોના ભારત છોડવા અંગે નિવેદન આપ્યું છે. ગોવામાં તેમણે જણાવ્યું હતું કે, 'સત્યાગ્રહને કારણે અંગ્રેજોએ ભારત છોડ્યું ન હતું. અંગ્રેજોએ જ્યારે લોકોના હાથમાં હથિયારો જોયા તો તેમને લાગવા માંડ્યું કે લોકો હવે કોઈપણ હદે જઈ શકે છે.'
'તત્કાલીન સરકારે પણ સાથ આપ્યો'
ગોવા પર પોર્ટુગીઝના આક્રમણનો ઉલ્લેખ કરતા રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે જણાવ્યું હતું કે, 'હવે સમય આવી ગયો છે કે ડર્યા વિના ઈતિહાસ વિશે સાચો પરિપ્રેક્ષ્ય લાવવાનો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR)એ એક સ્ટોરી બનાવી હતી કે તમે ગુલામ બનવા માટે જન્મ્યા છો અને તત્કાલીન સરકારે પણ તેને સમર્થન આપ્યું હતું.'
આ પણ વાંચો: દિલ્હીની ચૂંટણી પહેલા જ કેજરીવાલને ઝટકો: LGએ EDને આપી કેસ ચલાવવાની મંજૂરી
બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે જણાવ્યું હતુ કે, 'ગોવા ઇન્ક્વિઝિશન શું છે? જો આપણે આને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરીએ તો ગોવાના કેટલાક લોકો નારાજ થઈ જાય છે. તેઓ પીડા અનુભવે છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આપણે કોઈનાથી ડર્યા વિના આપણા વિચારો વ્યક્ત કરવા જોઈએ. જેમણે આપણા પર હુમલો કર્યો તે ક્યારેય અપણા બની શકે નહીં. તેથી આપણો દૃષ્ટિકોણ આગળ લાવવો જોઈએ. જો ગુવાહાટી જેવા સ્થળોના લોકો આપણને તેમનો ઈતિહાસ કહી રહ્યા છે તો ગોવાના લોકો પોતાની ભૂમિનો સાચો ઈતિહાસ કેમ નથી લખતા.'