2008થી પણ મોટી તબાહી! નેપાળથી બિહાર સુધી નદીઓ ગાંડીતૂર, ગામ બન્યા ટાપુ, હજારો લોકો ફસાયા
Bihar Flood: હાલ ગંડક, કોસી, બાગમતી, કમલા બલાન અને ગંગા સહિતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે. ઘરો, રસ્તાઓ, પુલ અને ઊંચી ઇમારતો, જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ પૂરની સ્થિતિના કારણે હાલ બિહારના 13 જિલ્લાના હાલ બેહાલ છે અને લાખો લોકોના જીવ મુશ્કેલીમાં છે. નેપાળથી આવતી નદીઓએ બિહારમાં તબાહી મચાવી છે.
2008માં આવેલા પૂર જેવી હાલ સ્થિતિ
હાલ બિહારમાં વર્ષ 2008માં આવેલા પૂર જેવી જ સ્થિતિ છે, આથી લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, 2008માં ભયંકર પૂરના કારણે 526 લોકોના મોત થયા હતા. ખેતરોમાં રેતી ભરાઈ ગઈ હતી, જે ખેતરોમાં રેતી ભરાઈ હતી એ ખેતરો હંમેશ માટે બરબાદ થઈ ગયા હતા.
નેપાળમાંથી 2-3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
આ સંકટ વધુ છે. કોસી નદી પર બીરપુર (નેપાળ) બેરેજમાંથી 6.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે 56 વર્ષમાં સૌથી વધુ છે. તેમજ વર્ષ 2008 કરતાં લગભગ ત્રણ ગણુ વધુ છે. આથી આ વખતે ખતરો પણ વધુ છે.
આ પણ વાંચો: 'સરકાર વિષકન્યા જેવી, જેની સાથે જાય એને ડૂબાડી દે...', ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન
13 જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત
અધિકારીઓએ જણાવ્યું કે, બક્સર, ભોજપુર, સારણ, પટના, સમસ્તીપુર, બેગુસરાય, મુંગેર અને ભાગલપુર સહિત ગંગાના કિનારે આવેલા લગભગ 13 જિલ્લાઓ પહેલાથી જ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને મુશળધાર વરસાદ પછી નદીઓના જળસ્તરમાં વધારો થવાનો ખતરો છે. જેના કારણે ભારતમાં રહેતા લગભગ 13.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. હાલ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરીને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે.
90 એન્જિનિયરની ટીમ 24 કલાક કામ કરી રહી છે
જળ સંસાધન વિભાગની ટીમો 24x7 તટીય વિસ્તાર પર દેખરેખ રાખી રહી છે જેથી ભય જણાય કે તરત જ તાત્કાલિક પગલાં લઈ શકાય. વિભાગના ત્રણ ચીફ એન્જિનિયર, 17 એક્ઝીક્યુટીવ એન્જિનિયર, 25 આસિસ્ટન્ટ એન્જિનિયર અને 45 જુનિયર એન્જિનિયર 24x7 કામ કરી રહ્યા છે અને હાઇ એલર્ટ પર છે.
આ પણ વાંચો: 'દિવાળી પહેલા ખાડામુક્ત શહેર' ના ટારગેટ સાથે રસ્તા પર ઊતર્યા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી
NDRFની ટીમ પણ તૈનાત
બિહારમાં પૂરની સ્થિતિને સામાન્ય કરવા માટે NDRF અને SDRFની ટીમો સતત કામ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ વખતે બચાવ કાર્યને લઈને પહેલાથી જ ઍલર્ટ મોડ પર કામ કરવામાં આવી રહ્યું હતું અને લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી. હાલ રાહતના સમાચાર એ છે કે નેપાળમાં વરસાદ બંધ થઈ ગયો છે, જેના કારણે બિહારમાં સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ શકે છે.