બિહાર પર બેવડું સંકટ! 56 વર્ષ બાદ ભયાનક સ્થિતિ, 13 જિલ્લામાં પૂરનું જોખમ, નેપાળથી ખતરો
Bihar Flood: નેપાળમાં અતિ ભારે વરસાદની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. બિહાર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે (29મી સપ્ટેમ્બર) સવારે 5 વાગ્યે વીરપુરના કોસી ડેમમાં 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેણે 56 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા
અહેવાલો અનુસાર, કોસી અને ગંડક ડેમમાં પાણી છોડવામાં આવ્યા બાદ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને 13 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ફેલાઈ ગયા છે. બાગમતી નદી શિયોહરમાં ખતરાના નિશાનથી બે મીટર ઉપર વહી રહી છે. આ ઉપરાંત ઉત્તર બિહારના ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: અનરાધાર વરસાદે નેપાળમાં તારાજી સર્જી, 66 લોકોનાં મોત, 44થી વધુ ગુમ, મકાનો પણ ડૂબ્યાં
નેપાળમાં ભારે વરસાદને કારણે કોસીમાં પાણીનું સ્તર વધે છે
ઉલ્લેખનીય છે કે, કોસી ડેમનું ઉદ્ઘાટન 1965માં તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું હતું. આ ડેમ બાંધીને નેપાળથી આવતા પાણીને એક કરવામાં આવ્યા અને બિહારમાં ડેમ બાંધીને નદીઓને વાળવામાં આવી. પરંતુ પૂરની સમસ્યામાંથી કોઈ રાહત મળી નથી. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે ડેમના દરવાજા ખોલવા પડે છે.
નેપાળમાં લાલબકેયા નદીનો ડેમ તૂટ્યો
નેપાળના ફતુહા પુલ નજીક લાલબકેયા નદીનો ડેમ તૂટી ગયો છે. જેના કારણે ભારત અને નેપાળના સરહદી વિસ્તારોમાં પૂર આવ્યું છે. બિહારમાં પણ તેની અસર જોવા મળશે. નેપાળને અડીને આવેલા ભારતીય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. કોસી અને ગંડકમાં પૂરની સ્થિતિને કારણે બિહારના ગોપાલગંજ, સારણ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી, શિવહર, સમસ્તીપુર, કિશનગંજ, અરરિયા, પૂર્ણિયા, કટિહાર, સુપૌલ, સહરસા, મધેપુરા, મધુબની, દરભંગા, ખગડિયા અને ભાગલપુર જિલ્લામાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.