બિહારમાં ચૂંટણી પહેલા NDAમાં ખેંચતાણ? નીતિશ કુમારે માત્ર 15 સેકન્ડનું ભાષણ આપી ચાલતી પકડી
Bihar Election: બિહારમાં મંત્રીમંડળના વિસ્તાર અને ભાજપ નેતાના નિવેદનો બાદ એવા સવાલ ઊભા થઈ રહ્યાં છે કે, શું એનડીએમાં બધું બરાબર ચાલી રહ્યું છે? હકીકતમાં જ્યારે નીતિશ કુમારે કેબિનેટ વિસ્તરણ બાદ ગુરૂવારે વિભાગની વહેંચણી કરી તો જીતન રામ માંઝીએ મંત્રી દીકરા સંતોષ સુમન પાસેથી બે વિભાગ પરત લઈ લીધા અને અન્ય બે મંત્રીઓને આપી દીધા.
સંતોષ સુમન પાસે પહેલાં ત્રણ વિભાગ હતાં. હવે તેમની પાસે ફક્ત લઘુ જળ સંસાધન વિભાગ વધ્યો છે. આ દરમિયાન નીતિશ કુમાર આજે હિન્દુસ્તાની આવામ મોરચા(HUM)ના પ્રમુખ જીતનરામ માંઝી દ્વારા પટણાના ગાંધી મેદાનમાં આયોજિત દલિત સમારોહમાં પહોંચ્યા હતા. આ દલિત સમારોહમાં નીતિશ કુમારે ફક્ત 15 સેકન્ડનું જ ભાષણ આપ્યું અને ત્યારબાદ તરત ત્યાંથી નીકળી ગયા હતા.
આ પણ વાંચોઃ દક્ષિણ ભારતમાં સીમાંકનનો મુદ્દો ચગ્યો, કર્ણાટકના CMએ અમિત શાહ પાસેથી માગી ગેરન્ટી..
નીતિશ કુમારે 15 સેકન્ડનું ભાષણ આપ્યું
બિહારના દલિત સમારોહમાં સરકારમાં મંત્રી અને જીતનરામ માંઝીના દીકરા સંતોષ સુમને મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના 15 સેકન્ડના ભાષણમાં દલિત સમારોહ માટે આયોજકોને અભિનંદન પાઠવતાં કહ્યું કે, 'હું તમને બધાને નમન કરું છું. આજે પાર્ટીની બેઠક થઈ રહી છે તો તેના માટે પણ શુભકામના. મને જાણકારી મળી તો તેના માટે બધાને શુભકામના પાઠવવા આવ્યો છું. આ જ શબ્દો સાથે તમને શુભેચ્છા પાઠવી મારી વાત સમાપ્ત કરું છું.' જોકે, નીતિશ કુમાર આ રીતે જલ્દી જતાં રહેવાથી લોકોના મનમાં ઘણાં પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સંભલની જામા મસ્જિદમાં રંગકામ નહીં કરી શકાય, ASIના રિપોર્ટ પર હાઈકોર્ટનો મોટો ચુકાદો
NDAમાં બધું બરાબર નથી?
નીતિશ કુમારના આ વર્તન બાદ એટલે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે, બિહાર ભાજપના નેતાઓ તફથી પણ એવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે, જેનાથી જેડીયુ અસહજ થઈ શકે. બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું કે, નીતિશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડીશું પરંતુ, મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે ભાજપનું સંસદીય બોર્ડ અને એનડીએની તમામ પાર્ટી સાથે મળીને નિર્ણય લેશે. બિહાર સરકારના મંત્રી અને ભાજપ નેતા પ્રેમ કુમારે પણ કહ્યું કે, નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે તે નક્કી છે. જો અમારા પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ચૂંટણી બાદ ધારાસભ્ય દળ નક્કી કરશે કે નેતા કોણ રહેશે તો તેમનું કહેવું એકદમ યોગ્ય છે.