ચૂંટણી પહેલા બિહારમાં નવાજૂનીના એંધાણ? ભાજપના સાથી પક્ષે RJD સાથે હાથ મિલવવાની તૈયારી બતાવી
Bihar Election 2025: દેશનું રાજકીય ફોક્સ હવે દિલ્હીથી બિહાર તરફ વળ્યું છે. આ હિન્દીભાષી રાજ્યમાં આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં એનડીએની બેઠકની હસતી તસવીરો વચ્ચે, યુપીમાં ભાજપની સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) પોતાની રણનીતિ પર કામ કરતી જોવા મળે છે.
ઓબીસી મતદારોમાં લોકપ્રિય ઓમ પ્રકાશ રાજભરની પાર્ટીએ અત્યારથી બિહારમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. SBSP ઇચ્છે છે કે બિહારમાં બેઠક વહેંચણી વખતે બીજેપી તેને 15થી 25 સીટ આપે. આ માટે SBSPએ પહેલેથી જ 'દબાણની રાજનીતિ' શરુ કરી દીધી છે. આ અંતર્ગત રાજભરની પાર્ટીએ બિહારમાં છેલ્લા ત્રણ મહિનામાં 24 રેલીઓ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SBSP નેતાઓએ દાવો કર્યો છે કે તેઓ બિહારમાં 25 વિધાનસભા બેઠકો માટેની તેમની તૈયારીઓ વિશે બીજેપી નેતૃત્વને પહેલેથી જ જાણ કરી ચૂક્યા છે. તેમણે સંકેત આપ્યો કે જો ભાજપ તેમની પાર્ટીની પસંદગીની સીટો આપે તો તેઓ 15 સીટો પર સમાધાન કરી શકે છે. ભાજપ માટે એ ચિંતાનો વિષય છે કે ઓબીસી મતદારો પૂરી પાડતી આ પાર્ટીએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવા માટે પોતાના વિકલ્પો રાખ્યા છે.
SBSPએ સાસારામ, પશ્ચિમ ચંપારણ, નવાદા, નાલંદા, ગયા, ઔરંગાબાદ અને બેતિયા સહિત 28 જિલ્લાઓમાં 25 બેઠકો પસંદ કરી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર બિહાર ચૂંટણીની તૈયારીના ભાગરૂપે, SBSPએ છેલ્લા ત્રણ મહિનામાં બિહારના ઘણા વિસ્તારોમાં 24 રેલીઓ યોજી છે.
પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, આ રેલીઓ દ્વારા SBSP OBC અને દલિતો સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે, જે JDU તેમજ મુખ્ય વિપક્ષી પાર્ટી RJDની વોટ બૅંકનો ભાગ છે. જે બિહારની વસ્તીના લગભગ 4.5% છે.
ગયા વર્ષે SBSP એ બિહારમાં તિરારી અને રામગઢ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો, જેમાં ભાજપનો વિજય થયો હતો. અરુણ રાજભરે કહ્યું કે તેમની પાર્ટીએ AIMIM સાથે ગઠબંધન કરીને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી લડી હતી. SBSP એ ચૂંટણી લડેલી બે બેઠકો ગુમાવી હતી જ્યારે AIMIM એ 20માંથી પાંચ બેઠકો જીતી હતી.