'કમાણી જ કરવી હોય તો કોઠા ખોલો...' બિહારમાં લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપ નેતાની જીભ લપસી
Dilip Jaiswal Reaction on Bihar Liquor Death: બિહારના સિવાન અને સારણ જિલ્લાના લગભગ 16 ગામોમાં ઝેરી દારૂના કારણે મરનારા લોકોની સંખ્યા વધી રહી છે. ઝેરી દારૂના કારણે થયેલા મોતને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહના નિવેદનો સામે આવ્યા છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે વિવાદિત નિવેદન આપ્યું છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષનું વિવાદિત નિવેદન
જ્યારે દિલીપ જયસ્વાલને પૂછવામાં આવ્યું કે, 'સરકારને આવક થાય છે શું એટલા માટે લોકો દારૂબંધીનો કાયદો નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે?' આ પ્રશ્નના જવાબમાં
ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, 'જો કમાણી જ કરવી હોય તો કોઠા ખોલો. જે લોકો દારૂબંધી દૂર કરવાની વાત કરી રહ્યા છે તેમનો બૂટલેગર સાથે સંબંધ છે. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ સંબંધોની તપાસ થવી જોઈએ.
નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાનું નિવેદન
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાએ કહ્યું કે જે લોકો દારૂના ધંધા સાથે જોડાયેલા છે તે રાષ્ટ્રીય જનતા દળના લોકો છે. દારૂના ધંધા કરનારાઓને કોણ ટિકિટ આપે છે, રાષ્ટ્રીય જનતા દળ આપે છે. આ બાબતે સરકાર ગંભીર છે અને કાર્યવાહી કરી રહી છે. કોઈને છોડવામાં આવશે નહીં. તમામ બૂટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે હું વિપક્ષમાં હતો ત્યારે આ બાબતો પર સવાલ ઉઠાવતો હતો. તે સમયે તેજસ્વી યાદવે કંઈ કહ્યું ન હતું. અમે તે સમયની નિંદા કરીએ છીએ અને હાલમાં પણ જે રીતે મૃત્યુ થઈ રહ્યા છે તેની અમે નિંદા કરીએ છીએ, સરકાર પગલાં લેશે.'
આ પણ વાંચો: મુખ્યમંત્રી શિંદેનો દીકરો મુશ્કેલીમાં ફસાયો, મહાકાલના મંદિરમાં નિયમ તોડવાનો આરોપ લાગ્યો
બિહાર લઠ્ઠાકાંડમાં 44 લોકોનું મોત
બિહારમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં સિવાનમાં 29 લોકો અને સારણ (છપરા)માં 13 લોકોના મોત થયા છે. ગોપાલગંજમાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 44 લોકોના મોત થયા છે. ત્રણેય જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ આ આંકડાઓની પુષ્ટિ કરવામાં આવી છે.