બિહારમાં CM નીતીશની ખુરશી ડગમગી! RJD સાથે વિવાદ બાદ ભાજપ સાથે સરકાર બનાવવાની અટકળો
જેડીયૂ-આરજેડી વચ્ચેના વિવાદ વચ્ચે નીતીશે પરિવારવાદ મુદ્દે નિવેદન આપતા મામલો વધુ ગરમાયો
નીતીશ ભાજપ સાથે મળી સરકાર બનાવે તેવી અટકળો, મંત્રણા શરૂ, RJDએ પણ સત્તા માટે બેઠકો શરૂ કરી
CM Nitish Kumar : બિહારમાં જનતા દળ(યૂ) અને રાષ્ટ્રીય જનતા દળ વચ્ચે અણબનાવના અહેવાલો વચ્ચે રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર ગમે ત્યારે લાલુ સાથે છેડો ફાડી શકે છે. નીતીશે મુખ્યમંત્રી પદ બચાવવા તો આરજેડીએ 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા સતત બેઠકો શરૂ કરી દીધી છે. એક તરફ નીતીશના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠકો શરૂ થઈ છે, તો બીજીતરફ લાલુના નિવાસ સ્થાને પણ નેતાઓની દોડધામ જોવા મળી રહી છે. નીતીશના વંશવાદ અંગેના નિવેદન બાદ લાલુની પુત્રીએ ટ્વિટ કરતાં આ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે.
JDU-BJP એક થવાની અટકળો
બિહારમાં નીતીશ-લાલુના વિવાદ વચ્ચે વર્તમાન મહાગઠબંધન તૂટવાની અણીએ આવી ગયું છે અને એનડીએની સત્તા પરત ફરવાની અટકળો ચાલી રહી છે. એવું મનાઈ રહ્યું છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ એનડીએમાં પરત ફરશે અને ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવશે.
નીતીશ વિધાનસભા ભંગ કરે તેવી અટકળો
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ પોતાની પાસે મુખ્યમંત્રી પદ અને જેડીયૂને મુખ્યમંત્રી પદ આપવા ઈચ્છે છે. જોકે નીતીશ કુમાર મુખ્યમંત્રી રહેવા ઈચ્છે છે. હાલ નીતીશ પાર્ટી વિધાનસભા ભંગ કરે તેવી પણ અટકળો ચાલી રહી છે. એવું કહેવાય છે કે, હાલ વચ્ચેનો રસ્તો કાઢવા વિચારણા ચાલી રહી છે. નીતીશ કુમાર માટે પાટલી બદલી સરકાર બનાવવી, બિહાર માટે નવી વાત નથી. તેઓ અગાઉ પણ આવા પ્રયોગો કરી સફળ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, નીતીશ કુમારે ગત મહિને જેડીયૂની કમાન પોતાના હાથમાં લઈ હતી, જેના કારણે તેઓ ભાજપના સંપર્કમાં હોવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ આ તમામ બાબતોને જેડીયૂએ અફવા કરી હતી.
JDU-RJD વચ્ચે વિવાદ કેમ શરૂ થયો?
નીતીશ અને લાલુ પાર્ટી વચ્ચે ઘણા સમયથી વિવાદ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે વિવાદ વઘુ ઉગ્ર બન્યો છે. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત થયા બાદ બંને પાર્ટી વચ્ચેનો વિવાદ જાહેરમાં સામે આવ્યો છે. ભારત રત્ન અંગે નીતીશ કુમારે આભાર વ્યક્ત કરતું ટ્વિટ કર્યું, પરંતુ તેમાં PMને ટેગ કરાયું ન હતું, જેથી તેમણે તે ડીલીટ કરી બીજું ટ્વિટ કર્યું, જેમાં પીએમને ટેગ કરાયા હતા. જેના કારણે નીતીશ-ભાજપ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની અટકળો વધુ તેજ બની. ઉપરાંત નીતીશ કુમારે પરિવારવાદ પર નિવેદન આપ્યા બાદ લાલુની પુત્રીએ પણ તેમના પર આડકરતું નિશાન સાધ્યું હતું, ત્યાર બાદ બંને પાર્ટીઓ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો. નીતીશે કહ્યું હતું કે, ‘કર્પૂરી ઠાકુરે પોતાના પરિવાર માટે કશું કર્યું નથી અને મેં તેમની પાસેથી શીખ મેળવી પરિવારને આગળ વધાર્યું નથી.’ નીતીશે આ નિવેદન કરી આરજેડી પર આડકતરું નિશાન સાધ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.