શું મોદી સરકારના બજેટથી નીતિશ કુમાર ખુશ છે? જાણો બજેટ અંગે શું આપ્યો પ્રતિભાવ
Bihar CM Nitish Kumar Budget 2024 Reaction : કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે સંસદમાં રજુ કરાયેલા બજેટમાં બિહારને મોટી રાહત આપ્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અમે બજેટથી ખુશ છીએ. અમે લોકો વિશેષ દરજ્જો મેળવવા માટે આંદોલન કરી રહ્યા હતા. અમારા રાજ્યને વિશેષ દરજ્જો ન અપાતા કેટલાક લોકો બોલી રહ્યા છે, જોકે કેન્દ્રમાં જ્યારે તેમની પાર્ટી હતી, ત્યારે તેમણે શું કર્યું?, આ મુદ્દે અમે તેમને સતત કહેતા હતા, અમે કહેતા હતા કે, વિશેષ રાજ્યનો દરજ્જો આપો અથવા વિશેષ અધિકાર માટે મદદ કરો. અમે લોકોએ કહ્યું હતું કે, બિહારને મદદ કરો, તેને ધ્યાને રાખીને જ બજેટમાં વિશેષ જાહેરાતો થઈ છે.
‘અગાઉ બિહારની સ્થિતિ ખૂબ જ નબળી હતી’
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અગાઉ બિહારની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. હવે ઘણા રોડ અને સ્કૂલો બની છે. વિશેષ રાજ્યનો દરજ્જો બંધ કરવામાં આવ્યો છે, તો સહાય અને વિકાસ માટે મદદ કરવામાં આવી છે.’
બજેટ બાદ બિહારમાં રાજકીય ઘમસાણ
બિહારને ભલે વિશેષ રાજ્યનો દરજ્જો ન અપાયો હોય, પરંતુ કેન્દ્ર સરકારે બજેટમાં ઘણી ભેટ આપી છે. બજેટમાં બિહારમાં ચાર નવા એક્સપ્રેસ હાઈવે- બનાવવાનો પ્રસ્તાવ રજુ કરાયો છે. આ ઉપરાંત રોડ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડના પેકેજની પણ જાહેરાત થઈ છે. 21 હજાર કરોડના પાવર પ્લાન્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. બજેટ બાદ બિહારમાં રાજકીય ઘમસાણ શરૂ થઈ ગઈ છે. એકતરફ વિપક્ષો વિશેષ રાજ્યના દરજ્જા મુદ્દે નીતીશ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, તો બીજીતરફ બજેટમાં બિહાર માટે કરાયેલી જાહેરાતોને એનડીએના નેતા વિશેષ કહી રહ્યા છે.
બજેટ સકારાત્મક અને આવકારદાયક : નીતીશ કુમાર
આ ઉપરાંત નીતીશ કુમારે એક્સ પર કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટ સકારાત્મક અને આવકારદાયક છે. આ બજેટમાં બિહારની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન અપયું છે. બિહારના માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર વિશેષ ધ્યાન અપાયું છે. આ બજેટમાં બિહારમાં રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ, પાવર પ્રોજેક્ટ્સ, એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ સ્ટ્રક્ચર માટે વિશેષ ભંડોળની જોગવાઈ કરાઈ છે. બજેટમાં બિહારના પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિશેષ સહાયની જાહેરાત થઈ છે. બિહારને પૂરથી બચાવવા માટે બજેટમાં મોટી જાહેરાત પણ કરાઈ છે. કોસી-મેચી નદીને જોડવાની યોજના, નદી પ્રદૂષણ ઘટાડવા અને સિંચાઈ યોજનાઓ માટે વિશેષ નાણાકીય સહાયની જાહેરાત કરાઈ છે, જે આવકારદાયક છે. બિહાર માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો વિશેષ આભાર... બજેટમાં બિહાર માટે કરાયેલી આ જાહેરાતો બિહારના વિકાસમાં મદદ કરશે. આશા છે કે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકાર બિહારના વિકાસમાં આ જ રીતે અન્ય જરૂરિયાતો માટે મદદ કરશે.’
આ પણ વાંચો : મોદી સરકારનું બજેટ કૉપી-પેસ્ટ? આ જાહેરાતો તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં હતી
આ પણ વાંચો : ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે