સરકારનો ઈરાદો તો ઈતિહાસ બદલવાનો, નવું સંસદ ભવન તો ફક્ત બહાનું, બિહારના CM આ શું બોલ્યાં
નીતીશ કુમારે કહ્યું - જૂના સંસદ ભવનને જ અપડેટ કરી દીધું હોત તો ચાલી જાત, નવાની શું જરૂર હતી, શું હવે તેને ઈતિહાસ બનાવી દઈએ?
ઉલ્લેખનીય છે કે આ ઉદઘાટન સમારોહનો વિરોધ કરનારામાં નીતીશ કુમારની પાર્ટી પણ સામેલ છે
image : Twitter |
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે, જેને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ સહિત 21 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશની સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું જોઈએ. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અલગ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે નવું સંસદ ભવન બનાવવાની જરૂર જ શું હતી? તેમણે કહ્યું કે સરકાર ફક્ત ઈતિહાસ બદલવાના ઇરાદે જ આ કામ કરી રહી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશે શું કહ્યું...
નીતીશ કુમારે કહ્યું, 'શરૂઆતમાં પણ એવી વાત કરવામાં આવી રહી હતી કે આ (સંસદ ગૃહ) બની રહ્યું છે, ત્યારે પણ અમને તે પસંદ નહોતું. આ તો ઈતિહાસ છે, આઝાદી પછી જે વાત જે વસ્તુ જ્યાંથી શરૂ થઇ હતી તેને ત્યાં જ વિકસિત કરી દેવાની જરૂર હતી, તેને અલગથી બનાવવાનો શું મતલબ છે? શું તમે જૂનો ઈતિહાસ જ બદલી નાખશો? તેઓ નવું સંસદ ભવન બનાવી રહ્યા છે તે અમને પસંદ નથી. તેઓ માત્ર જૂનો ઈતિહાસ બદલવા માંગે છે. નવા સંસદ ભવનનું નિર્માણ કરવાની કોઈ જરૂર નહોતી. હું તેની વિરુદ્ધ છું. આ બધા લોકો ઈતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. ત્યાં જવાનો કોઈ અર્થ નથી.
સરકાર ઈતિહાસ બદલવા માંગે છે
ઉદ્ઘાટન સમારોહનો વિરોધ કરી રહેલા વિપક્ષી દળો અંગે નીતિશે કહ્યું, "અન્ય પક્ષો કહી રહ્યા છે કે તેઓ રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાને કારણે નથી જઈ રહ્યા. કારણ ગમે તે હોય, પરંતુ અમને લાગે છે કે જેની જરૂર જ નહોતી તેને કેમ અલગથી બનાવાયું. જે જૂની ઈમારત હતી તેને જ સુધારી દીધી હોત, શું હવે ઈતિહાસને ભુલાવી દઈશું? તમે જાણી લો જે આજે સત્તામાં છે તે સંપૂર્ણ ઈતિહાસ બદલી નાખશે. આઝાદીની લડાઈના ઈતિહાસને બદલશે. જે પ્રથમ વડાપ્રધાન હતા નહેરુજી, તેમના મૃત્યુ સમયે અમે સ્કૂલમાં ભણતા હતા... અમે માનીએ છીએ કે દેશનો જે ઈતિહાસ છે તે ખૂબ જ જરૂરી છે... નવો બનાવવાની જરૂર શું હતી... આ લોકો સંપૂર્ણ ઈતિહાસ સાથે ચેડાં કરી રહ્યા છે. તેને બદલી નાખવાના ઈરાદે જ આ કામ કરી રહ્યા છે.