‘ભાજપે બિહારમાં એકલા ચૂંટણી લડી હોત તો...’: નીતીશ મુદ્દે પ્રશાંત કિશોરનું પહેલું નિવેદન
બિહારમાં માત્ર નીતીશ કુમાર જ નહીં, તમામ પાર્ટીઓ પલટૂરામ : પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણી અંગે ભવિષ્યવાણી કરી PM મોદીના કર્યા વખાણ
Prashant Kishor Comment On Nitish Kumar : જેડીયુના વડા નીતીશ કુમારે આરજેડી સાથે છેડો ફાડી ભાજપ સાથે બિહારમાં નવી સરકાર બનાવી છે, જે અંગે વિપક્ષો નીતીશની સતત ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો તેમને તકવાદી, તો કેટલાક પલટુરામ અને આયારામ-ગયારામ કહી રહ્યા છે. હવે આ મામલે સૂરજ અભિયાનના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ નીતીશ અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, જો ભાજપ પોતાના દમ પર લડી હોત તો વધુ ફાયદો થાત.
નીતીશ જીવનની છેલ્લી મેચ રમી રહ્યા છે : પીકે
પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘BJPએ ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance)ને ધરાશાયી કરવા આ પગલું ભર્યું છે. ભાજપ બિહારમાં એકલા ચૂંટણી લડી હોત તો વધુ ફાયદો થાત. નીતીશકુમાર જીવનની છેલ્લી મેચ રમી રહ્યા છે. તેઓ ક્યારે શું કરશે, તે કોઈને ખબર નથી. પ્રજાએ તેમને નકારી દીધા છે, તેથી તેઓ ખુરશી બચાવવા કંઈપણ કરી શકે છે.’
લોકસભા ચૂંટણીમાં NDA કરશે ક્લીન સ્વીપ
પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણી-2024 અંગે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ‘ચૂંટણીમાં ભાજપ-NDA ક્લીન સ્વીપ કરશે અને એક જ મુદ્દો હશે અને તે છે - નરેન્દ્ર મોદી (PM Narendra Modi)... તેમના જ ભરોસે ચૂંટણી યોજાશે, હાલ કોઈપણ આસપાસ દેખાતું નથી. બિહારમાં માત્ર નીતીશ કુમાર જ નહીં, તમામ પાર્ટીઓ પલટૂરામ છે. આ ગઠબંધન 2025ની ચૂંટણીમાં પણ નહીં ચાલે, જેના કારણે ભાજપને મોટું નિકસાન થશે. ભાજપ એકલું લડશે તો તે જીતની સ્થિતિમાં રહેશે.’
નીતીશ દુષ્ટ, પ્રજાને છેતરી રહ્યા છે : પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, ‘નીતીશ કુમાર દુષ્ટ છે. બિહારના લોકોને છેતરી રહ્યા છે. બિહારની જનતા વ્યાજ સાથે પરત કરશે. ભાજપ લોકસભા ચૂંટણી બાદ તેમને છોડી દેશે અથવા તેમના ચહેરાને આગળ ધરી લડશે તો પ્રજા તેમને છોડી દેશે. નીતીશ જે ગઠબંધનમાં ચૂંટણી લડશે, આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને 20 બેઠકો પણ નહીં મળે. જો આવશે તો હું મારા કામમાંથી સન્યાસ લઈ લઈશ.’