બિહારમાં નીતીશ કુમારે જીત્યો વિશ્વાસ મત, 129 ધારાસભ્યોનું સમર્થન, હતાશ વિપક્ષે કર્યું વૉકઆઉટ
Bihar Floor Test : નીતીશ કુમાર ફરી NDAમાં જોડાઈ ગયા બાદ બિહારના 9મી વખત મુખ્યમંત્રી બની જવામાં સફળ રહ્યા હતા. ત્યારે હવે આજે વિધાનસભામાં તેમની સરકારે વિશ્વાસ મત મેળવી લીધો છે. નીતીશ સરકારે ફ્લોર ટેસ્ટમાં જીત મેળવી છે. NDAને 129 મત મળ્યા છે. નીતીશ સરકારને બહુમત હાંસલ થયો છે.
વિપક્ષે વૉકઆઉટ કર્યું હતું
નીતીશ કુમારના ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષે વૉકઆઉટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિપક્ષમાંથી આરજેડીના કેટલાક ધારાસભ્યો સત્તાપક્ષની તરફેણમાં થઈ જતાં નીતીશ કુમારની જીત સ્પષ્ટ દેખાઈ રહી હતી. જેના પગલે તેમને ફાયદો પણ થયો અને વિપક્ષને પોતાની હાર દેખાતા તેમણે વૉકઆઉટ કરી લીધું હતું.
ચર્ચા દરમિયાન નીતીશ શું બોલ્યા હતા?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં રજૂ કરાયેલા વિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું હતું કે, 'અમે વિકાસ માટે અને લોકોના હિતમાં કામ કરવાનું ચાલુ રાખીશું. 2021માં સાત સંકલ્પો શરૂ કર્યા, આજે કેટલો ફાયદો થયો છે. આપણે બધાએ તેને ચાલુ રાખ્યું છે. બિહારનો વિકાસ થશે. સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખશે. આ લોકોનું જે પણ થશે. અમે આ લોકોને માન આપ્યું અને અમને ખબર પડી કે આ લોકો ફક્ત કમાણી કરે છે. આજ સુધી, જ્યારે આ પાર્ટી અમારી સાથે હતી, ત્યારે અમે ક્યારેય આમ તેમ ન કર્યું. પૈસા ક્યાંથી આવ્યા અમે તપાસ કરાવીશું.'
સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
બિહારમાં અવધ બિહારી ચૌધરીને વિધાનસભા સ્પીકર પદેથી હટાવવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરાયો હતો. આ પ્રસ્તાવ પર વોટિંગ પણ થઈ અને તેના પછી સ્પીકરની તરફેણમાં 125 અને વિરુદ્ધમાં 112 મત પડ્યા હતા.
તેજસ્વીએ પીએમ મોદીને પૂછ્યો સવાલ
સમ્રાટ ચૌધરીની પાઘડી વિશે તેજસ્વીએ કહ્યું કે, 'તેમને અમારા કાકાએ પાઘડી ઉતારવાની સલાહ આપી હશે. સમ્રાટ ચૌધરીના પિતા અમારી પાર્ટીમાં રહ્યા છે, તેમણે નીતિશ વિશે શું કહ્યું છે તે અમે જણાવવા માંગતા નથી. બિહારના બાળકોને પૂછો કે તેઓ કયા શબ્દોનો ઉપયોગ કરશે, અમે તે કહી શકતા નથી. શું મોદીજી એવી ગેરંટી આપશે કે નીતીશ ફરી ગુલાંટ નહીં મારે?'