બિહારમાં હવે થશે અસલ ‘ખેલ’? 6 ધારાસભ્યોએ નીતીશનું અને માંઝીએ NDAનું વધાર્યું ટેન્શન
ભોજન સમારંભ કાર્યક્રમમાં 6 ધારાસભ્યો ગેરહાજર રહેતા મુખ્યમંત્રી નીતીશ કુમાર નારાજ થયા
BJP-JUDના સાથી માંઝીએ વિપક્ષના નેતા સાથે મુલાકાત કરતા બિહાર રાજકારણ ગરમાયું
Bihar CM Nitish Kumar : બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને પડતો મુકી BJP સાથે ગઠબંધન કરી સરકાર બનાવ્યા બાદ હજુ પણ રાજકારણમાં ધમાસાણ ચાલી રહ્યું છે. રાજ્યની વિધાનસભામાં NDA સરકારનો 12 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ થવાનો છે, જોકે તે પહેલા છ ધારાસભ્યોએ નીતીશ કુમારની ચિંતા વધારી દીધી છે.
ભોજન સમારંભમાં છ ધારાસભ્યો ગેરહાજર, નીતીશ નારાજ
મળતી વિગતો મુજબ પટણામાં જનતા દળ યુ (JDU)ના મંત્રી અને મુખ્યમંત્રી નીતીશ કુમારના નજીકના શ્રવણ કુમારના નિવાસસ્થાને જેડીયુના તમામ ધારાસભ્યો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં છ ધારાસભ્યો ગેરહાજર રહેતા બિહારમાં ફરી રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત છ ધારાસભ્યોને લઈને નીતીશ કુમાર પણ નારાજ થયા હોવાના અહેવાલો મળ્યા છે.
છ ધારાસભ્યોની ગેરહાજરી મામલે JDUએ સ્પષ્ટતા કરી
નીતીશ કુમાર ભોજન સમારંભમાં માત્ર પાંચ મિનિટ રોકાયા હતા. આ દરમિયાન મીડિયાએ તેમને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ હસીને ત્યાંથી જતા રહ્યા હતા. રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે, છ ધારાસભ્યોને ભોજન સમારંભમાં ન જોઈ નીતીશ નારાજ થયા છે. આ છ ધારાસભ્યોમાં ડૉ.સંજીવ, ગૂંજેશ્વર શાહ, બીમા ભારતી, શાલિની મિશ્રા અને સુદર્શન કુમાર સામેલ છે. બીજીતરફ જેડીયુ સૂત્રો દ્વારા ધારાસભ્યોની ગેરહારી અંગે જણાવાયું છે કે, કેટલાક ધારાસભ્યો બિમારીના કારણે તો કેટલાક પારિવારિક કારણોસર આવ્યા નથી.
જીતનરામ માંઝીએ NDAનું વધાર્યું ટેન્શન
બિહારમાં નવી સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા જીતનરામ માંઝી (Jitanram Manjhi)એ વિરોધી દળના નેતા સાથે મળી ભાજપ અને જેડીયુની ચિંતા વધારી છે. ભાજપ અને જેડીયુના સાથી પક્ષ હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના અધ્યક્ષ માંઝીએ વિરોધી દળ સીપીઆઈ માલેના ધારાસભ્ય મહબૂબ આલામ સાથે મુલાકાત કરી છે. એનડીએને માંઝીની પાર્ટીના ચાર ધારાસભ્યોનું સમર્થન છે અને તેમના પુત્ર સંતોષ સુમન હાલ નીતીશ સરકારમાં મંત્રી પણ છે.
માંઝી સાથે મુલાકાત બાદ આલમે કહ્યું, ‘તેઓ સારી રમત દેખાડશે’
માંઝીના નિવાસસ્થાને મળવા પહોંચેલા આલમે બાદમાં મીડિયાને કહ્યું કે, ‘મેં માંઝી સાથે રાજકીય મુદ્દે ચર્ચા કરી છે. હું ખબરઅંતર પુછવા તેમને મળ્યો હતો. અન્ય કોઈ વાત નથી. માંઝી સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓ સારી રમત દેખાડશે.’ ઉલ્લેખનિય છે કે, બિહાર વિધાનસભામાં સોમવારે નીતીશ સરકારનો ફ્લોટ ટેસ્ટ થયાનો છે. પરંતુ તે પહેલા માંઝીએ વિરોધી દળના નેતા સાથે મુલાકાત કરતા ભાજપ અને જેડીયની ચિંતા વધી ગઈ છે. જોકે માંઝીએ એક દિવસ પહેલા સ્પષ્ટ કહ્યું હતું કે, ‘હું એનડીએમાં છું અને રહીશ.’