બિહારમાં પરીક્ષાના નિયમને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન, 'ખાન સર'ને અટકાયત બાદ છોડવામાં આવ્યા
Bihar BPSC Exams : બિહારમાં 70મી BPSCની પ્રારંભિક પરીક્ષાના નિયમમાં કરવામાં આવેલા ફેરફારોને લઇને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે. હકિકતમાં, 13 ડિસેમ્બરે યોજાનારી BPSC પરીક્ષાના નિયમમાં ફેરફાર કરતા રાજધાની પટણામાં બીપીએસસી કાર્યાલયની બહાર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે (6 ડિસેમ્બર) પોલીસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને ચર્ચાસ્પદ શિક્ષક 'ખાન સર'ની પણ અટકાયત કરી હતી. જોકે, તેમને પછીથી છોડી દેવામાં આવ્યા હતા.
કેમ કરાઇ હતી અટકાયત?
નોંધનીય છે કે, ખાન સર ગર્દાનીબાગમાં ઉમેદવારો સાથે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને ભીડ વચ્ચેથી કસ્ટડીમાં લીધા હતા. જો કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનના ગેટની બહાર એકઠા થયા હતા અને તેમની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જે પછી પોલીસે તેમને છોડી દીધા હતા. ઉમેદવારો 70મી BPSC PTના નોર્મલાઇઝેશનનો વિરોધ કરી રહ્યા છે.
BPSCના ચેરમેને શું કહ્યું?
અહીં BPSCના ચેરમેન રવિ મનુભાઈ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 'સામાન્યીકરણ ચોક્કસપણે આગામી પરીક્ષાથી લાગુ કરવામાં આવશે. એટલે કે 71મી પીટી પરીક્ષાથી નોર્મલાઇઝેશન લાગુ કરવામાં આવશે. અધ્યક્ષે મીડિયા દ્વારા ઉમેદવારોને અપીલ કરી અને કહ્યું કે જ્યારે સામાન્યીકરણનો અમલ થયો નથી તો વિરોધ શા માટે? દરેક બાબતની માહિતી જાહેરાતમાં આપવામાં આવી હતી. પરીક્ષાની તૈયારી છોડીને બિનજરૂરી પ્રદર્શન કરવું ખોટું છે. જ્યારે પરીક્ષા એક જ શિફ્ટમાં અને એક જ દિવસે લેવાઈ રહી છે, તો પછી નોર્મલાઇઝેશન ક્યાંથી અમલમાં આવ્યું? જાહેરાતમાં પહેલાથી જ ઘણા સેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નોર્મલાઇઝેશન શું છે?
નોર્મલાઇઝેશન એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા પરીક્ષામાં મેળવેલા માર્ક્સને સામાન્ય કરવામાં આવે છે. જ્યારે પરીક્ષા એક કરતા વધુ શિફ્ટમાં લેવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાને અનુસરવામાં આવે છે. નોર્મલાઇઝેશનની મદદથી, પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોના ટકાવારીની ગણતરી કરવામાં આવે છે.