કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ટિપ્પણીનો આરોપ, ભાજપે નોંધાવી ફરિયાદ
BJP Files Case Against Kanhaiya Kumar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ (RSS) વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર વિરુદ્ધ પટણામાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપની લીગલ ટીમે મોદી-આરએસએસ અંગે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કન્હૈ કુમાર વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કન્હૈયા કુમારને જેલમાં ધકેલો
ભાજપ નેતાઓએ ચેતવણી આપતા કહ્યું છે કે, ‘કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ મૌન તોડી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ભારતની એકતા અને સંપ્રભુતાને ઠેસ પહોંચાડનારા કોઈપણ વ્યક્તિને જેલમાં ધકેલી દેવો જોઈએ.’ ભાજપના મીડિયા પ્રભારી દાનિશ રિજવાન સહિત અનેક નેતાઓ કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કન્હૈયા કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કન્હૈકુમાર શું બોલ્યા હતા?
દાનિશ રિજવાને કહ્યું કે, ‘કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે એક ખાનગી સમાચાર ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. કન્હૈયાએ કહ્યું હતું કે, પીએમ મોદી સંઘીય છે અને આરએસએસ આતંકવાદી છે. તેમના આ નિવેદનના કારણે દેશના કરોડો લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. આ ખૂબ જ મોટો ગુનો છે, તેથી બિહાર પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.’