VIDEO: બિહારમાં મંદિરમાં તોડફોડ મુદ્દે હોબાળો, છ મૂર્તિ ખંડિત કરાતા ટોળું વિફર્યું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો
Bihar Bhagalpur Sanhoula Temple Statue Vandalized : બિહારના ભાગલપુરમાં મંદિરમાં તોડફોડ મુદ્દે મામલો ઉગ્ર બન્યો છે. બદમાશોએ મંદિરમાં રામ-સીતા, રાધા-કૃષ્ણ સહિત છ મૂર્તિ ખંડિત કરતા લોકો રોષે ભરાયા છે. આ ઘટના સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી ભારે હોબાળો મચાવી રહ્યા છે.
બદમાશોએ શિવ મંદિરમાં તોડફોડ કરી
મળતા અહેવાલો મુજબ ભાગલપુરના સ્નહૌલામાં આવેલા શિવ મંદિરમાં કેટલાક લોકોએ તોડફોડ કરી છે અને મંદિરમાં ભગવાનની છ પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો કર્યો છે, જેના કારણે તંત્રએ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસનો કાફલો ખડકી દીધો છે. ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને આરોપીઓની તુરંત ધરપકડ કરવાની માંગ કરી છે.
ટોળું લાકડી-ડંડી સાથે રસ્તા પર ઉતરી આવ્યું
મીડિયા રિપોર્ટ મુજબ સન્હોલા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં ભગવાન રામ, માતા સીતા, રામ દરબાર, રાધા-કૃષ્ણ અને માતા દુર્ગાની મૂર્તિને તોડવામાં આવી છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, આ ઘટના પાછળ બિન હિન્દુ અસામાજિક તત્વોનો હાથ છે. મંદિરમાં તોડફોડની વાત આખા વિસ્તારમાં વાયુવેગે ફેલાતા લોકો લાકડી અને ડંડા સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
આ પણ વાંચો : મુઝફ્ફરનગરમાં બબાલ! પયગમ્બર સાહેબનું અપમાન કરતી પોસ્ટના વિરોધમાં સેંકડો લોકો રસ્તા પર
ટોળાએ સન્હોલાથી ઝારખંડ તરફનો રસ્તો બ્લોક કર્યો
મંદિરમાં મૂર્તિઓ તોડવા મામલે ભડકેલા લોકોએ સન્હોલાથી ઝારખંડ તરફ જતો મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો છે. પોલીસ સ્ટેશન પાસે પહોંચેલું ટોળું ન્યાયની માંગ કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, અસામાજિક તત્વોએ જાણીજોઈને હિન્દુઓની ભવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેથી તેમની તુરંત ધરપકડ કરવી જોઈએ.
લોકો રોષ જોતા પોલીસ કાફલો ખડકી દેવાયો
મળતા અહેવાલો મુજબ મંદિરમાં તોડફોડ મુદ્દે આગની જેમ ફેલાયા બાદ લોકો એકઠા થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, જ્યાં સુધી બદમાશોની ધરપકડ કરવામાં ન આવે, ત્યાં સુધી લોકો ધરણા-પ્રદર્શન કરતા રહેશે. પોલીસે પણ લોકોનો રોષ જોષી સ્પેશલ ફોર્સ સહિત આસપાસના અનેક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને તહેનાત કરી દીધા છે. પોલીસ પણ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે લોકો પોતાની જિદ પર અડેલા છે.
મૂર્તિ તોડનારા બદમાશોની ધરપકડ
બીજીતરફ સન્હૌલા પોલીસે મૂર્તિ તોડનારા બદમાશોની ધરપકડ કર્યા બાદ લોકોનો ગુસ્સો શાંત થયો છે. જોકે હજુ પણ સ્થિતિ સામાન્ય ન દેખાતા પોલીસ કાફલો તહેનાત રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પોલીસે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે શાંતિ સમિતિ સાથે બેઠક યોજવાનો દોર શરૂ કરી દીધો છે. બીજી તરફ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી રહી છે.