સંસદના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી! વિપક્ષના વધુ 49 સાંસદ સસ્પેન્ડ, કુલ 141 સાંસદની હકાલપટ્ટી
Image Source: Twitter
- લોકસભામાંથી આજે વધુ 41 સાંસદ સસ્પેન્ડ
- રાજ્યસભાના આઠ સાંસદને પણ સસ્પેન્ડ કરાયા
નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર
સંસદ સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ કરી રહેલા વિપક્ષનો હંગામો આજે પણ ચાલુ રહ્યો. લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા 41 સાંસદોને આજે ફરી સસ્પેન્ડ કરાયા, જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સૂલે પણ સામેલ છે. આ ઉપરાંત 8 રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરાયા છે.
આમ અત્યાર સુધી કુલ 141 સાંસદની હકાલપટ્ટી કરાઈ ચૂકી છે. 18 ડિસેમબર સુધી સંસદના કુલ 92 સાંસદ સસ્પેન્ડ હતા.
આજે આ મોટા નેતા થયા સસ્પેન્ડ
કોંગ્રેસ નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરૂર, બસપાના દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સૂલે, સપા સાંસદ ડિમ્પલ યાદવ, એસટી હસન, તૃણમૂલ સાંસદ માલા રોય અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુ પણ આ યાદીમાં સામેલ છે.
સંસદ નિયમોથી ચાલશે, આ છેલ્લી ચેતવણીઃ ઓમ બિરલા
સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યો હાથમાં બેનરો સાથે નારાબાજી શરૂ કરી હતી. બાદમાં તેઓ વડાપ્રધાનની તસવીર સાથેના પ્લેકાર્ડ તેમની ખુરશી સામે આવી ગયા હતા અને હંગામો શરૂ કરી દીધો. આમ છતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સાંસદોએ જોરશોરથી નારાબાજી કરી. તેથી બિરલાએ તમામ સભ્યોને હંગામો નહીં કરવા અને ગૃહની કાર્યવાહી નિયમો પ્રમાણે જ આગળ વધવા દેવાનો આગ્રહ કર્યો, પરંતુ તેમની વાત કોઈએ ના સાંભળી.
આ દરમિયાન બિરલાએ કહ્યું કે ‘આ ગૃહ તમારું છે. ગૃહ નિયમો પ્રમાણે ચાલે છે અને તે પણ તમે જ બનાવ્યા છે. તમે જ ગૃહમાં બેનરો લઈને નહીં આવવાનું કહ્યું હતું. આવું ચાલ્યું તો ગૃહ નહીં ચાલે. આખો દેશ ગૃહની કાર્યવાહી જોઈ રહ્યો છે. તમે ગૃહની મર્યાદા તોડી રહ્યા છો. એટલે તમને છેલ્લી ચેતવણી આપું છું.’
આમ છતાં તેમની વાત કોઈએ ના સાંભળતા તેમણે 49 સાંસદને સસ્પેન્ડ કરી દીધા હતા.
ફરી આ લોકો આવશે તો બંધારણ ખતમ થઈ જશે: અખિલેશ યાદવ
બીજી તરફ સંસદમાંથી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, કયા મોઢે સંસદને લોકતંત્રનું મંદિર કહેશે આ લોકો. જે રીતે આ લોકોએ વિપક્ષ સાથે વ્યવહાર કર્યો છે તો પ્રમાણે જો ફરી પણ આ લોકો જ ચૂંટાશે તો બંધારણ જ ખતમ થઈ જશે.