રાજસ્થાનમાં મોટી કરુણાંતિકા, ટાયર ફાટતાં કાર નાળામાં ખાબકી, દાહોદના એક જ પરિવારના 5નાં મોત
Accident in Rajasthan: રાજસ્થાનમાં બ્યાવર-પિંડવાડા હાઈવે (NH-62) પર ગુરુવારે સવારે લગભગ 7:15 વાગે ટાયર ફાટવાના કારણે ગોજારો અકસ્માત સર્જાયો. કાર નાળામાં પડી ગઈ અને એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા. કારમાં સવાર લોકો પિંડવાડાથી જોધપુર તરફ જઈ રહ્યા હતા. પીડિત પરિવાર ગુજરાતના દાહોદનો હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર થઇ શકી નથી.
આ દુર્ઘટના અંગે એસપીએ જણાવ્યું કે 'કારનું સંતુલન ખોરવાતા અકસ્માત થયો છે. પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિરોહીમાં સારનેશ્વર બ્રિજ નજીક આ દુર્ઘટના ઘટી છે. કારનું ટાયર ફાટવાથી કાર બેકાબૂ થઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી.' બીજી તરફ સિરોહી પોલીસે જણાવ્યું કે 'કારમાં સવાર એક પરિવાર ગુજરાતથી જોધપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે સારનેશ્વર બ્રિજ નજીક કારની આગળનું ટાયર ફાટી ગયુ, જેનાથી કાર બેકાબૂ થઈને ડિવાઈડરને પાર કરતાં નાળામાં પડી ગઈ.'
આ પણ વાંચો: અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત, ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
દુર્ઘટના એટલી દર્દનાક હતી કે ફલોદીના ખારા ગામના રહેવાસી બે મહિલા, બે પુરુષ અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ, જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ ગઈ. ઘટનાની જાણકારી મળતાં જ સીઓ મુકેશ ચૌધરી અને પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા તેમજ ઈજાગ્રસ્ત મહિલાને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા. સાથે જ મૃતકોના મૃતદેહોને મોર્ચરીમાં મૂક્યા છે. સીઆઈ કૈલાશદાને જણાવ્યું કે 'માહિતી મળી છે કે તમામ મૃતક એક જ પરિવારના હોઈ શકે છે. તમામ ગુજરાત ગયા હતા અને પાછા પોતાના ગામ ખારા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઘટનાનો ભોગ બન્યા. ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.'