I.N.D.I.A.ને મોટી રાહત! વાયનાડ પેટાચૂંટણીમાં પ્રિયંકાને થશે ફાયદો, મમતા બેનરજી છે તેનું કારણ
Image: Facebook
Wayanad By Election: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસને પોતાના રાજ્યમાં એક પણ બેઠક આપી નથી પરંતુ હવે તે વાયનાડમાં પ્રિયંકા ગાંધીના પક્ષમાં ચૂંટણી પ્રચાર માટે જશે. કોંગ્રેસ પાર્ટીએ તેમને આ વિનંતી કરી હતી જેનો તેમણે સ્વીકાર કરી લીધો છે. આ પહેલા મમતા બેનર્જીએ જ પ્રિયંકા ગાંધી વાડ્રાને વારાણસીથી ચૂંટણી લડવાનો વિચાર આપ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કોલકાતામાં સચિવાલયમાં મમતા બેનર્જીની સાથે બેઠક કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ચિદમ્બરમ ગાંધી પરિવારના દૂત તરીકે મમતાને મળવા માટે ગયાં હતાં.
ટીએમસી સુપ્રીમો કોંગ્રેસથી નારાજ છે અને તેમણે કોંગ્રેસ-ટીએમસી ગઠબંધન વાર્તામાં નિષ્ફળતા માટે ખાસ કરીને બંગાલ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને જવાબદાર ઠેરવ્યાં છે. બંગાળમાં ટીએમસીની મોટી જીત બાદ ટીએમસીના બીજા સૌથી મોટા નેતા અભિષેક બેનર્જી કોંગ્રેસને છોડીને વિભિન્ન મુદ્દા પર તેમને એક સાથે લાવવા માટે ઈન્ડિયા ગઠબંધનના ઘટક દળોને મળવા માટે ઝડપથી આગળ વધી રહ્યાં છે.
અભિષેક બેનર્જીએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી અને તે બાદ ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ ગયાં. આ અઠવાડિયાની શરૂઆતમાં સાંસદ કલ્યાણ બેનર્જી, સાગરિકા ઘોષ અને સાકેત ગોકલેના ટીએમસી પ્રતિનિધિમંડળે મુંબઈમાં એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથે મુલાકાત કરી અને એગ્ઝિટ પોલના દિવસે કથિત રીતે શેર બજાર હેરાફેરીની સેબી તપાસની માગ કરતા એક સંયુક્ત પ્રદર્શનમાં ભાગ લીધો. કોંગ્રેસ આંદોલનમાં સામેલ નહોતી.
ટીએમસી 29 સાંસદોની સાથે વિપક્ષી જૂથમાં લોકસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ટીએમસીની નારાજગી દૂર કરવા માટે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓએ ચિદમ્બરમે મમતા બેનર્જીની સાથે સીધી વાતચીત કરી અને મતભેદોને ઉકેલવા માટે મોકલ્યા હતા. શુક્રવારે મમતા બેનર્જીના જાણીતા ટીકાકાર અધીર રંજન ચૌધરીએ પણ પોતાનું નરમ વલણ રાખતાં કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે તેમના મતભેદ સંપૂર્ણપણે રાજકીય છે. આ વ્યક્તિગત નથી.
અધીર રંજન ચૌધરીએ કહ્યું, 2011માં બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મે સોનિયા ગાંધીને કહ્યું હતું કે વામપંથીઓ સાથે લડવા માટે કોંગ્રેસને ટીએમસીની સાથે ગઠબંધન કરવું જોઈએ. મે તેમને કહ્યું હતું કે મમતા બેનર્જી બંગાળમાં સૌથી વિશ્વસનીય ચહેરો છે અને અમારે તેમની સાથે ગઠબંધન કરવું જોઈએ અને જો કોંગ્રેસ-ટીએમસી ગઠબંધન કરે છે તો અમે સારું કામ કરીશું. મમતા બેનર્જીની સાથે મારો કોઈ વ્યક્તિગત મતભેદ નથી, આ સંપૂર્ણરીતે રાજકીય છે.