વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી 1 - image


One Nation One Election : વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના પરથી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે.



કોવિંદ સમિતિએ શું ભલામણ કરી? 

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ ભલામણ કરી હતી કે પહેલાં પગલાં તરીકે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. સમિતિએ કહ્યું કે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એકસાથે પૂર્ણ થયા બાદ 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે. જેથી દેશભરમાં એક નક્કી મુદ્દત દરમિયાન તમામ લેવલની ચૂંટણી સંપન્ન થઈ જશે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ આયોજિત કરવામાં આવે છે.

વડાપ્રધાન મોદી ઘણા સમયથી કરે છે તરફેણ

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનની તરફેણ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 'હું દરેકને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે એકજૂટ થવા   વિનંતી કરું છું, તે સમયની જરૂરિયાત છે.' લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે દરેક રાજ્યની સરકારો સમગ્ર પાંચ વર્ષ શાસન કરે અને આ દરમિયાન ચૂંટણી ન યોજાય. હું હંમેશા કહું છું કે ચૂંટણી ફક્ત ત્રણ કે ચાર મહિનામાં જ થઈ જવી જોઈએ. તેનાથી ચૂંટણીના સંચાલન પર થતા ખર્ચમાં ઘટાડો થશે.


Google NewsGoogle News