NEET-PG પરીક્ષાના પ્રશ્નપત્રની તૈયારી મામલે મોટા સમાચાર; લેવાઈ શકે છે આ નિર્ણય
Big News Regarding NEET-PG Exam: આજે(2 જુલાઈ) NEET-PG પરીક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સાયબર સેલના અધિકારીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે NEET-PGની પરીક્ષાના અમુક કલાક પહેલા જ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.
કેન્દ્રમાં NEET પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
22 જૂનના રોજ NEET પેપર લીક વિવાદને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 23 જૂનના રોજ યોજાવા જઈ રહેલી NEET-PGની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારો પરીક્ષાની નવી તારીખની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે કેન્દ્રમાં NEET-PGની પરીક્ષાને લઈને ખાસ બેઠક યોજાઈ હતી.
પરીક્ષાના અમુક કલાક પહેલા જ પ્રશ્નપત્રો તૈયાર કરાશે
રિપોર્ટ પ્રમાણે, 2 જુલાઈના મંગળવારે ગૃહ મંત્રાલયમાં NEET-PG પરીક્ષાને લઈને સાયબર સેલના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં NEET-PG પરીક્ષાના અમુક કલાક પહેલા જ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પરીક્ષાના પ્રશ્નપત્રનો સેટ પહેલાથી તૈયાર કરાયેલો નહીં હોય. આમ આવા કિસ્સામાં પેપર લીક થવાના કોઈ ચાન્સ રહેશે નહીં. તેવામાં સરકાર અલગ-અલગ એજન્સીઓ દ્વારા એ ચકાસી રહી છે કે, પેપરમાં કોઈપણ પ્રકારની ભૂલ થવાની શક્યતા ના રહે.
પરીક્ષાની નવી તારીખ જાહેર થવાની શક્યતા
NEET-PGની પરીક્ષા કોઈજ પ્રકારની ખામી વગર પૂર્ણ થાય એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય સહિત માહિતી ટેકનોલોજી મંત્રાલય મોટાપાયે દેખરેખ રાખી રહ્યું છે. આમ ત્રણેય મંત્રાલય દ્વારા અંતિમ સ્તર સુધી દેખરેખ રખાતાં આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થવાની શક્યતા છે.