સૈફ અલી ખાન કેસમાં મોટા સમાચાર, CCTVથી મેચ થયો આરોપીનો ચહેરો
Saif Ali Khan attack case: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામનો FRT એટલે કે ફેસ રેકગ્નિશન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો આરોપીનો ચહેરો સીસીટીવી ફૂટેજ સાથે મેચ થયો છે. સૈફ અલી ખાન પર હુમલા કેસમાં પકડાયેલા આરોપી પર શંકાઓ ઉભી થઈ રહી હતી. કેટલાક લોકોનું કહેવુ હતું કે, પકડાયેલ વ્યક્તિનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા આરોપી સાથે મેળ ખાતો નથી. પરંતુ હવે આ મુદ્દા પરથી પડદો હટી ગયો છે. આ અંગે પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચહેરાની ઓળખ કરનારી ટેકનોલોજી દ્વારા સ્પષ્ટ થયું કે, શરીફુલ ઇસ્લામ એ જ વ્યક્તિ છે જે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો : કિન્નર અખાડાનો મોટો નિર્ણય: મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદેથી હટાવાયા
આરોપીના પિતાએ કર્યો આવો દાવો
પોલીસના જણાવ્યા પ્રમાણે શરીફુલ ઇસ્લામ મૂળ બાંગ્લાદેશનો રહેવાસી છે. અને બાંગ્લાદેશમાં રહેતા તેના પિતા રોહુલ અમીન આ કેસને રાજકીય સ્વરુપ આપવા જઈ રહ્યા છે. આરોપીના પિતા અમીન ખાલિદા ઝિયાની પાર્ટી BNPના કાર્યકર હોવાનું કહેવાય છે. પોતાના પુત્રને નિર્દોષ ગણાવતા કહ્યું કે, અમીને ધમકી આપી હતી કે, તે આ મુદ્દો રાજદ્વારી લેવલે ઉઠાવશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, તેઓ દેશના એક મોટા ગજાના નેતાના સંપર્કમાં પણ છે. અમીને દાવો કરતાં કહ્યું હતું કે, 'સીસીટીવીમાં દેખાતો વ્યક્તિ મારો પુત્ર નથી.' તેમના પુત્રનો બચાવ કરતા અમીને કહ્યું હતું કે, 'મારા પુત્રને આ ઘટનામાં ફસાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં દેખાતા લાંબા વાળવાળા શંકાસ્પદ વ્યક્તિના ફોટા તેમના પુત્ર સાથે મેળ પણ ખાતા નથી.' જોકે, અહીં પોલીસે દાવો કરતાં કહ્યું હતું કે, શરીફુલ ઇસ્લામે ગુનો કર્યા પછી પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો. એક સલૂનમાં જઈ તેણે વાળ પણ કપાવી દીધા હતા.
કોણ છે આરોપી શરીફુલ ઇસ્લામ
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બાંગ્લાદેશનો નાગરિક છે. અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા બાદ તેણે પોતાનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદથી બદલીને 'બિજોય દાસ' રાખ્યું હતું.
16 જાન્યુઆરીએ આરોપી બાંદ્રા સ્થિત સૈફના ઘરે ઘુસ્યો હતો
પોલીસે આરોપીની થાણેથી ધરપકડ કરી હતી. 16 જાન્યુઆરીના રોજ બાંદ્રાના એક એપાર્ટમેન્ટના 12મા માળે એક ઘુસણખોરે સૈફ અલી ખાન પર વારંવાર છરીના ઘા કર્યા હતા. હુમલામાં ઘાયલ થયેલા અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યા તેની તાત્કાલિક સર્જરી કરાવવામાં આવી હતી. સર્જરી બાદ સૈફને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.