'કલાક પહેલા જ ટ્રેકમાં ખામી પકડાઈ હતી છતાં...' દિબ્રુગઢ એક્સપ્રેસની દુર્ઘટનામાં બેદરકારીનો ઘટસ્ફોટ
Chandigarh-Dibrugarh Express Train Accident: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મોતીગંજ-ઝિલાહી રેલવે સ્ટેશન વચ્ચે પીકૌરા ગામ નજીક 18મી જુલાઈએ ચંડીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના 16 જેટલાં ડબા પાટા પરથી ખડી પડ્યાં હતાં. જો કે, હવે આ અકસ્માતનું કારણ સામે આવ્યું છે. દુર્ઘટનાના તપાસ અહેવાલમાં જણાવાયું કે, રેલવેના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીને કારણે દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
તો આ કારણે ટ્રેન પાટા પરથી ઉતરી
અહેવાલો અનુસાર, જે જગ્યાએ ટ્રેન પાટા પરથી ઉતરી હતી. ત્યાં ચાર દિવસથી ટ્રેક પર બકલિંગ (ગરમીના કારણે પાટા પહોળા થઈ જવા) થઈ રહ્યું હતું. બકલિંગને કારણે 18મી જુલાઈના રોજ 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ રહેલી ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના કુલ 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યારબાદ ત્રણ એસી કોચ પાટા પર પલટી ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. દિબ્રુગઢ એક્સપ્રેસની દુર્ઘટના પહેલા, ઝિલાહીના કીમેનનું કામ જોઈ રહેલા રેલવે કર્મચારીએ ફોન પર જુનિયર એન્જિનિયરને રેલવે ટ્રેક નબળો થઈ જવાની આશંકા અંગે પહેલાથી જણાવી દીધું હતું.
આ પણ વાંચો: VIDEO: યુપીમાં દિબ્રુગઢ ટ્રેન દુર્ઘટનામાં તપાસના આદેશ, મૃતકો અને ઈજાગ્રસ્તો માટે કરાઈ વળતરની જાહેરાત
રેલવે વિભાગના અધિકારીઓએ ટ્રેક પર કોઈ સાવચેતી વર્તવા અંગે ચેતવણી પણ નહોતી લગાવી, જેના કારણે પૂરપાટ ઝડપે દોડી રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. રેલવે દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં લખનૌ રેલવે ડિવિઝન હેઠળના ઝિલાહી વિભાગના એન્જિનિયરિંગ વિભાગને આ અકસ્માત માટે જવાબદાર ગણાવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે ટ્રેકનું ફાસ્ટનિંગ યોગ્ય રીતે નહોતું કરાયું. મતલબ કે, ગરમીના કારણે વિસ્તરણને કારણે ટ્રેક ઢીલો થઈ ગયો હતો અને તેને યોગ્ય રીતે ટાઈટ કરવામાં આવ્યો ન હતો.