Get The App

બિહારમાં દારુબંધી અધિકારીઓ માટે મોટી કમાણી, ગરીબો માટે દુષણ : હાઇકોર્ટ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
બિહારમાં દારુબંધી અધિકારીઓ માટે મોટી કમાણી, ગરીબો માટે દુષણ : હાઇકોર્ટ 1 - image


- પોલીસ, એક્સાઇઝ, ટેક્સ વિભાગના અધિકારીઓ કમાણી માટે દારુબંધીને પ્રેમ કરે છે : પટના હાઇકોર્ટ 

- દારુબંધીનો ભોગ સૌથી વધુ દૈનિક કમાનારો મજૂર વર્ગ બને છે, આવા લોકોની સામે જ વધુ કેસો થાય છે : પટના હાઇકોર્ટ

- કિંગપિન, સિન્ડિકેટ ઓપરેટરો અધિકારીઓની મીલિભગતથી બચી જાય છે જ્યારે લઠ્ઠાકાંડનો ભોગ બનનારા ગરીબો વધુ ફસાય છે

પટના : ગુજરાતની જેમ બિહારમાં પણ દારુબંધી છે. જોકે બિહારની પટના હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે બિહારમાં દારુબંધીનો મતલબ છે અધિકારીઓ માટે મોટી કમાણી, દારુબંધીનો કાયદો બિહારમાં દારુ અને અન્ય ગેરકાયદે વસ્તુઓની તસ્કરીમાં વધારો કરી રહ્યો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય સારો હોવા છતા તે ખોટી દિશામાં જતો રહ્યો છે અને અધિકારીઓ તેનો ઉપયોગ પોતાના ખિસ્સા ભરવા માટે કરી રહ્યા છે, જેનો ભોગ ગરીબો બની રહ્યા છે.

પટના હાઇકોર્ટના ન્યાયાધીશ પૂર્ણેંદુસિંહે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પોલીસ, એક્સાઇઝ, એક્સાઇઝ, ટેક્સ વિભાગોના અધિકારીઓ દારુબંધીનુ સ્વાગત એટલા માટે કરે છે કેમ કે તેમના માટે દારુબંધી કમાણીનું સાધન બની ગઇ છે. દારુની તસ્કરીમાં સામેલ મોટા વ્યક્તિઓ કે સિન્ડિકેટ ઓપરેટરોંની વિરુદ્ધમાં બહુ જ ઓછા કેસો દાખલ થાય છે. જ્યારે બીજી તરફ દારુ પીનારા ગરીબો કે નકલી દારુનો શિકાર બનનારા લોકોની સામે વધુ કેસો દાખલ થાય છે. દારુબંધીનો કાયદો ખરેખર રાજ્યના ગરીબો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. 

હાઇકોર્ટના ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે દારુબંધીના કાયદાની આકરી જોગવાઇઓ પોલીસ માટે એક સુવિધાજનક ઉપકરણ બની ગઇ છે. પોલીસ મોટાભાગે તસ્કરોની સાથે મળીને કામ કરે છે. આ કાયદાથી છટકવા માટે નવા ઉપાયો શોધી કાઢવામાં આવ્યા છે. બિહારમાં વર્ષ ૨૦૧૬માં દારુબંધી લાગુ કરવામાં આવી હતી. જોકે તેમ છતા બિહારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ દર વર્ષે બહાર આવતી રહી છે, જેમાં અનેક ગરીબો માર્યા ગયા છે. હાઇકોર્ટે પોતાના ૨૪ પાનાના આદેશમાં નોંધ્યું હતું કે માત્ર પોલીસ અધિકારીઓ જ નહીં, એક્સાઇઝની સાથે રાજ્યના ટેક્સ વિભાગના અધિકારીઓ પણ દારુબંધીને બહુ પ્રેમ કરે છે કેમ કે તેમના માટે દારુબંધી એટલે મોટી કમાણી. જે મોટા કિંગપિન અને સિન્ડિકેટ ઓપરેટરો છે તેમની સામે બહુ જ ઓછા કેસો દાખલ થાય છે. તેનાથી ઉલટા જે ગરીબો દારુનું સેવન કરે છે કે લઠ્ઠાકાંડનો ભોગ બને છે તેમની સામે જ વધુ કેસો થાય છે.  

હાઇકોર્ટના ન્યાયાધીશે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે દારુબંધીના કાયદાની સૌથી વધુ વિપરીત અસર દરરોજનુ કમાઇને દરરોજ ખાનારા લોકો પર થાય છે કે જેઓ માત્ર પોતાના પરિવાર માટે કમાઇ રહ્યા છે. દૈનિક કમાનારા મજૂરો આ દારુબંધીના કાયદાનો ભોગ વધુ બની રહ્યા છે. હાઇકોર્ટના આ ચુકાદા બાદ બિહારના નશાબંધી ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટનો આ આદેશ હોવાથી તેના પર કોઇ ટિપ્પણી કરવી યોગ્ય નહી રહે પરંતુ હાઇકોર્ટે યોગ્ય અને ચિંતાજનક મુદ્દાઓ જ ઉઠાવ્યા છે. બિહારના ખાગરિયા જિલ્લાના રહેવાસી મુકેશ કુમાર પાસવાન દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી, મુકેશે દાવો કર્યો હતો કે હું પટના બાયપાસ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત હતો, નવેમ્બર ૨૦૨૦માં મારી હદમાં રાજ્યના એક્સાઇઝ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવેલા જેમાં વિદેશી દારુ ઝડપાયો હતો. જેને પગલે મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. પટના હાઇકોર્ટે આ સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીની અરજીને માન્ય રાખી હતી અને તેમને સસ્પેન્ડ કરવાના નિર્ણયને રદ કરી નાખ્યો હતો, સાથે જ તેમની સામે ચાલી રહેલી તમામ તપાસને પણ રદ કરી હતી.


Google NewsGoogle News