જ્ઞાનવાપીના છત પર થતી નમાઝ પર રોક લગાવવામાં આવે: હિન્દુ પક્ષની મોટી માંગ
- આ સાથે જ અરજીમાં હિન્દુ પક્ષે લગભગ 500 વર્ષ જૂની છતનું સમારકામ કરાવવાની માંગ કરી છે
Image Source: Twitter
વારાણસી, તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર
જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરા અંગે હિન્દુ પક્ષ તરફથી એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં વ્યાસ ભોંયરાની છત પર થતી નમાજ રોકવાની માંગ કરી છે. આ સાથે જ અરજીમાં હિન્દુ પક્ષે લગભગ 500 વર્ષ જૂની છતનું સમારકામ કરાવવાની માંગ કરી છે. અરજીમાં દુર્ઘટના ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ એ પણ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં પૂજા કરી રહેલા પૂજારી અને દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે.
નમાજ રોકવા પાછળ સુરક્ષા અને આસ્થાનો તર્ક
હિન્દુ પક્ષે આ અરજીમાં નમાજ રોકવા પાછળ સુરક્ષા અને આસ્થાનો તર્ક આપ્યો છે. સેશન કોર્ટમાં ચાલી કેસ નંબર 350/2021 આ નવી અરજી જોડવામાં આવી છે. વાદી ડો.રામ પ્રસાદ સિંહે નવી અરજી દાખલ કરી છે. જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી.
અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેજામિયાની અરજી ફગાવી દીધી હતી
તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેજામિયાની અરજીને ફગાવી દીધી હતી જેમાં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની અંદર વ્યાસ ભોંયરામાં પૂજા રોકવાની તત્કાલીન રાજ્ય સરકારની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હતી. કોર્ટે વારાણસીના જિલ્લા ન્યાયાધીશના વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને વ્યાસ ભોંયરાના 'રિસીવર' નિયુક્ત કરવા અને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.