સ્કૂલોના અભ્યાસક્રમમાં મહત્ત્વનો ફેરફાર, પ્રાથમિક શિક્ષણ ચારને બદલે ત્રણ વર્ષનું રહેશે
- શિક્ષણ નીતિ બદલવાની કેન્દ્રની તૈયારી થઇ રહી છે
નવી દિલ્હી, તા. 8 જુલાઇ 2019, સોમવાર
કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ લાગુ પાડવાની તૈયારી કરી રહી છે અને આ પગલું સફળ થશે તો પ્રાથમિક સ્કૂલોમાં એકથી ચાર ધોરણ છે એને બદલે ત્રણ વર્ષમાં પ્રાથમિક સ્કૂલનો અભ્યાસ પૂરો થઇ જશે.
છેલ્લાં પચાસ સાઠ વર્ષથી અમલમાં રહેલી શિક્ષણ નીતિ બદલવાની તૈયારી થઇ રહી છે. નવી યોજનામાં પ્રિ પ્રાયમરીથી બીજા ધોરણ સુધી રહેશે અને ત્યારબાદ ત્રીજી, ચોથી અને પાંચમી સુધી પ્રાથમિક સ્કૂલ ગણાશે. 2022 સુધીમાં આ ફેરફાર અમલી કરવાની યોજના છે.
ત્રીજા ક્રમે પાંચમા છઠ્ઠા અને સાતમા ધોરણનો સમાવેશ થશે. એ માધ્યમિક શિક્ષણ ગણાશે. ચોથા ક્રમમાં ચાર વર્ષનું શિક્ષણ રહેશે જે આઠમાથી બારમા ધોરણ સુધીનું રહેશે અને એને ઉચ્ચ માધ્યમિક લેવલનું ગણવામાં આવશે. ફક્ત ગોખણપટ્ટીને બદલે સામાન્ય જ્ઞાન, તાર્કિક ચિંતન, બહુભાષી અભ્યાસ અને એકાદ હુન્નર ફરજિયાત કરવાની યોજના પણ છે.
બાળકોની ઉંમર અને ગ્રહણ શક્તિને અનુરૂપ આ ફેરફાર કરાઇ રહ્યા હોવાનું કહેવાય છે. સ્કૂલના શિક્ષણમાં પાંચ વર્ષનો ફાઉન્ડેશન કોર્સ રહેશે જેમાં પહેલા ત્રણ વર્ષ પ્રિ-પ્રાયમરી અને ત્યારબાદ બે વર્ષમાં પહેલું અને બીજું ધોરણ ભણાવવાની યોજના છે.