માલદીવ્સની મોઈજ્જુ સરકારને મોટો ફટકો! માત્ર 3 દિવસમાં 30% ભારતીયોએ ટ્રીપ કેન્સલ કરી દીધી
Image Source: Twitter
- માલદીલની મુલાકાત લેવા માટે જાન્યુઆરીથી એપ્રિલનો મહિનો બેસ્ટ માનવામાં આવે છે
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર
ભારત પર માલદીવના મંત્રીઓ અને અધિકારીઓએ કરેલી ટિપ્પણી બાદ બંને દેશો વચ્ચેની કડવાશ વધી ગઈ છે. માલદીવે ક્યારેય વિચાર્યું નહીં હોય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર તેમને ટ્રોલ કરવું આટલું મોંઘું પડશે. અનેક મીડિયા અહેવાલ પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં ભારતમાંથી માલદીવ જનારા પ્રવાસીઓની સંખ્યામાં 30%નો ઘટાડો થયો છે. આ વાતની પુષ્ટિ પર્યટન સાથે જોડાયેલી સેવા કંપની બ્લૂ સ્ટાર એર ટ્રાવેલ સર્વિસના ડિરેક્ટર માધવ ઓઝાએ કરી છે. તેમણે કહ્યું કે ભારતથી માલદીવની ડાયરેક્ટ ફ્લાઈટ્સ 20 થી 30 ટકા કેન્સલ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. માલદીલની મુલાકાત લેવા માટે જાન્યુઆરીથી એપ્રિલનો મહિનો બેસ્ટ માનવામાં આવે છે.
3 દિવસમાં 30% ભારતીયોએ ટ્રીપ કેન્સલ
બ્લૂ સ્ટાર એર ટ્રાવેલ સર્વિસીસના ડાયરેક્ટર માધવ ઓજાએ જણાવ્યું કે, દેશભરમાંથી માલદીવ માટે રોજની 7 થી 8 સીધી ફ્લાઈટ જતી હતી જેમાંથી એકલા મુંબઈથી 3 ફ્લાઈટ છે. પરંતુ હાલમાં માત્ર 4 થી 5 જ ફ્લાઈટ જઈ રહી છે. આ ફ્લાઈટ્સમાં દરરોજ 1200 થી 1300 મુસાફરોને માલદીવ લઈ જવાની ક્ષમતા છે. તેમાં કેન્સિલેશન એ સૌથી મહત્વપૂર્ણ સંકેત છે કે લોકો પોતાની મુસાફરીની યોજનાઓ બદલી રહ્યા છે.
બીજી તરફ સચિન તેંડુલકર, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન વગેરેના નિવેદનો બાદ બુકિંગમાં પણ 20%નો ઘટાડો નોંધાયો છે. માધવના કહેવા પ્રમાણે લોકો નવી જગ્યાઓ શોધી રહ્યા છે. તેનો ફાયદો લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારને થશે.
કંપની 100% રિફંડ આપી રહી છે
માલદીવના નેતાઓના ભારત વિરુદ્ધના નિવેદનોથી ગુસ્સે થઈને તેમની માલદીવની યાત્રા કેન્સલ કરવા માંગતા લોકો માટે ટ્રાવેલ સર્વિસ કંપની થ્રીલોફિલિયાએ તેમને 100 ટકા રિફંડ આપવાનું એલાન કર્યું છે. તેમને આ પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર પણ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે ટિકિટ પર રિફંડની સુવિધા આગામી મહિનાઓ માટે નિર્ધારિત મુસાફરી રદ કરવા પર પણ આપવામાં આવી રહી છે. કંપનીના અધિકારીએ કહ્યું- લોકો અહીં માનસિક શાંતિ માટે જાય તે સુનિશ્ચિત કરવાનું કંપનીનું પણ કામ છે.