કર્ણાટકના મુખ્યમંત્રીને મોટો ઝટકો, જમીન કૌભાંડ અંગે MP-MLA કોર્ટનો કેસ નોંધવા નિર્દેશ
Image Source: Twitter
Karnataka CM Siddaramaiah: કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે MP-MLA કોર્ટે તેમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે MUDA જમીન કૌભાંડ મામલે સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે મૈસુર લોકાયુક્ત પોલીસને આ મામલાની તપાસ કરવા અને 3 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
જજે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે, કોર્ટના આદેશ બાદ MP-MLA કોર્ટે સ્નેહમયી કૃષ્ણાની અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જજ સંતોષ ગજાનન ભટે કહ્યું કે, હાઇકોર્ટે પણ પોતાના નિર્ણયમાં સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસની વાત કહી હતી. એ સ્પષ્ટ છે કે, દેવરાજ નામના જે વ્યક્તિ પાસેથી જમીન ખરીદવામાં આવી હતી તે જમીનના સાચા માલિક નથી.
ગઈ કાલે પણ લાગ્યો હતો ઝટકો
24 સપ્ટેમ્બરના રોજ MUDA કેસમાં સિદ્ધારમૈયાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચાલશે. તમને જણાવી દઈએ કે, કર્ણાટક હાઇકોર્ટે રાજ્યપાલના આદેશને પડકારતી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. હકીકતમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી સાઇટ એલોટમેન્ટ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસની મંજૂરી આપી હતી. રાજ્યપાલ તરફથી આ મંજૂરી મળ્યા બાદ સિદ્ધારમૈયા દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
આવી સ્થિતિમાં એ નક્કી છે કે, સિદ્ધારમૈયાની મુશ્કેલી વધશે. બીજા પક્ષના વકીલનું કહેવું છે કે, જો લોકાયુક્તની કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ ન થયા તો CBI તપાસની માગ કરી શકે છે. બીજી તરફ સીએમની આશા ડબલ બેન્ચ પર ટકેલી હતી. સીએમ કેમ્પે એ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો ડબસ બેન્ચથી પણ રાહત ન મળી તો અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું અને ત્યાં સુધી સિદ્ધારમૈયા રાજીનામું આપવાના મૂડમાં નથી.