ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હરિયાણાના રાજકારણમાં ભૂકંપ, 24 કલાકમાં ચાર ધારાસભ્યોના રાજીનામાં
Hariyana Assembly Polls: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં પહેલી ઓક્ટોબરે તમામ 90 બેઠકો પર મતદાન થશે અને ચોથી ઓક્ટોબરે પરિણામ આવશે. જોકે તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજ્યના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.
એક બાદ એક ચાર ધારાસભ્યોના રાજીનામાં
ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ 24 કલાકમાં જેજેપી ( જનનાયક જનતા પાર્ટી )ના ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. જેમાં ઈશ્વર સિંહ, દેવેન્દ્ર બબલી, અનૂપ ધાનક અને રામ ચરણ કલાનું નામ સામેલ છે.
પક્ષે નોટિસ ફટકારી
ધારાસભ્યોમાં નાસભાગને લઈને જેજેપીના નેતા રણધીર સિંહે જણાવ્યું હતું, કે 'અમારો પક્ષ બન્યો ત્યારે આ નેતાઓ સામેલ થયા અને ધારાસભ્ય બન્યા. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ પક્ષ છડોઇ રહ્યા છે. અમે તમામ આવા નેતાઓને લીગલ નોટિસ ફટકારી છે. આ સિવાય અમે રામનિવાસ સૂરજ ખેડા તથા જોગીરામ સિહાગને પણ નોટિસ ફટકારવામાં આવી છે, આ બંને નેતાઓ લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે વોટ માંગી રહ્યા હતા.'
સતત બે ટર્મથી છે ભાજપ સરકાર
નોંધનીય છે કે વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 36.7 ટકા વોટ સાથે 40 બેઠકો પર જીત હાંસલ થઈ હતી. કોંગ્રેસ 28.2 ટકા વોટ અને 31 બેઠકો સાથે બીજા નંબર પર રહી હતી. જ્યારે દુષ્યંત ચૌટાલાની જેજેપીને 10 બેઠકો પર જીત મળી હતી. પરિણામ બાદ ભાજપે જેજેપી સાથે ગઠબંધનમાં સરકાર બનાવી હતી. જોકે લોકસભા ચૂંટણી પહેલા બંને પક્ષો છૂટા પડ્યા ગયા હતા. ભાજપે મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને જ 47 બેઠકો સાથે જીત હાંસલ થઈ હતી અને પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.