'ભાજપના મોટા નેતાઓએ દિલ્હી લિકર કૌભાંડ કર્યું...', જેલથી છૂટ્યાં બાદ સંજય સિંહના ગંભીર આક્ષેપ
Liquor policy scam: દિલ્હી લિકર કૌભાંડમાં ફસાયેલા આપ સાંસદ સંજય સિંહને છેવટે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી ગયા હતા. હવે તેના બાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતાં તેની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સંજય સિંહે કહ્યું કે કેજરીવાલને ફસાવી દેવા માટે ભાજપ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.
કેજરીવાલ લોકો માટે કરનાર મુખ્યમંત્રી : સંજય સિંહ
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ આમ આદમી પાર્ટી કે કેજરીવાલે નહીં પરંતુ ભાજપે કર્યું છે. ભાજપના મોટા નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. કેજરીવાલની પ્રશંસા કરતાં સંજય સિંહે કહ્યું કે એ તો લોકો માટે કામ કરનારા મુખ્યમંત્રી છે. તેમને ષડયંત્રમાં ફસાવીને જેલમાં નાખી દેવામાં આવ્યા. સંજય સિંહે વધુમાં કહ્યું કે, 'આજે હું તમને જણાવવા આવ્યો છું કે અરવિંદ કેજરીવાલની કાવતરુ રચીને ધરપકડ કરવામાં આવી છે. 2 કરોડ લોકો માટે કામ કરનારા મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દેવાનું શું આયોજન છે? હું તેને જાહેર કરીશ. હું ભાજપ દ્વારા કરાયેલા લિકર પોલિસી કૌભાંડનો પર્દાફાશ કરીશ.
સાક્ષીઓના નિવેદનો બળજરીપૂર્વક બદલવામાં આવ્યા : આપ નેતા
આપ નેતા વધુમાં જણાવતા કહ્યું કે સાક્ષીઓના નિવેદનો બળજબરીપૂર્વક બદલવામાં આવ્યા. મંગુથા રેડ્ડીની તસવીર વડાપ્રાધાન મોદી સાથે છે. 16મી જુલાઈએ તે અમારી વિરુદ્ધ નિવેદન આપે છે. ભાજપના ષડયંત્રમાં સામેલ થાય છે. આ પછી તેને 18મી જુલાઈએ જામીન આપી દેવામાં આવે છે. વડાપ્રધાન સાથે તેમનો શું સંબંધ છે? તે વડાપ્રધાનની તસવીર લગાવીને વોટ માંગી રહ્યો છે. ટીડીપીએ તેને ટિકિટ આપી છે અને ટીડીપી એનડીએમાં સામેલ છે.
સંજય સિંહને મંગળવારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા
નોંધનીય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં સંજય સિંહને મંગળવારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. આ પછી તેઓ બુધવારે સાંજે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 21 માર્ચે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલમાં કેજરીવાલ તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.