માલીવાલ કેસમાં બિભવ કુમારની કસ્ટડી લંબાવાઈ, કોર્ટમાં હાજર કરાયા બાદ ફરી જેલમાં મોકલાયા
Swati Maliwal Assault Case : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાના કેસમાં આજે તીસ હજારી કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે અરવિંદ કેજરીવાલના પીએમ બિભવ કુમાર (Bibhav Kumar)ને કોઈપણ રાહત આપ્યા વગર વધુ ચાર દિવસની કસ્ટડી લંબાવી દીધી છે. આ પહેલા બિભવની પાંચ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરાઈ હતી. કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ બિભવને આજે ફરી કોર્ટમાં હાજર કર્યા હતા, જ્યાં કોર્ટે તેમને 28 મે સુધી જેલમાં ધકેલી દીધા છે.
સ્વાતિ માલીવાલે બિભવ પર લગાવ્યો હતો મારપીટનો આરોપ
ઉલ્લેખનીય છે કે, સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર, દિલ્હી પોલીસે (Delhi Police) ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ નામની એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો બિભવ કુમારને શોધી રહી હતી. AAPના રાજ્યસભા સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં બિભવ કુમાર પર ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે, ત્યારબાદ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે બિભવ કુમારની CM હાઉસ પરથી કરી હતી ધરપકડ
સ્વાતિ માલીવાલની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે 18 મેએ સીએમ હાઉસે ગઈ હતી અને ત્યાંથી મુખ્યમંત્રી કેજરીવાલના પીએ બિભવ કુમારની ધરપકડ કરી હતી. પછી પોલીસે બિભવને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધો હતો. આ કેસમાં તપાસના ભાગ રૂપે પોલીસ બિભવને ફરી ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ક્રાઈમ સીન રી-ક્રિએટ કર્યો હતો. આ પહેલા માલીવાલને પણ ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઈમ સીમ રી-ક્રિએટ કરાયો હતો.
ઘટના બાદ બિભવે ફોમ ફોર્મેટ કર્યો હોવાનો આક્ષેપ
એવું કહેવાય છે કે, માલીવાલા સાથે મારપીટની ઘટના બાદ બિભવે પોતાનો ફોન મુંબઈમાં ફોર્મેટ કર્યો હતો, તેથી પોલીસ તેને લઈને મુંબઈ લઈ ગઈ હતી. પોલીસે ફોનમાંથી ડેટા રિટ્રીવ કરવા માટે, તેણે ફોન ક્યાં ફોર્મેટ કરાવ્યો, તેની તપાસ કરી હતી. આ દરમિયાન મુંબઈ એરપોર્ટના નજીકના વિસ્તારમાંથી ફોન ફોર્મેટ કરાયો હોવાની માહિતી સામે આવી હતી.
બિભવે મુંબઈમાં ફોન ફોર્મેટ કરાવ્યો : દિલ્હી પોલીસ
17 મેના રિપોર્ટ મુજબ બિભવે ફોન ફોર્મેટ કર્યા પહેલા શહેરમાં કોઈ અન્ય વ્યક્તિ અથવા ડિવાઈસ પર ડેટા ટ્રાન્સફર કર્યો હતો. ત્યારબાદ પોલીસે સ્થાનિક કોર્ટ તીસ હજારી કોર્ટને જણાવ્યું હતું કે, બિભવે કથિત રીતે મુંબઈમાં પોતાનો ફોન ફોર્મે કરાવ્યો હતો. જ્યારે બિભવને મુંબઈ લઈ જવાયો ત્યારે પોલીસ એ જાણવા માંગતી હતી કે, બિભવે પુરાવા મિટાવવા માટે ફોનમાંથી ડેટા ડિલિટ કર્યો હતો કે, કોઈ અન્ય કારણે ફોનને ફોર્મેટ કરાવ્યો હતો.