સ્વાતિ માલીવાલ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વિભવ કુમારને કેટલીક શરતે આપ્યા જામીન
Bibhav Kumar Bail : રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારમારી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે આરોપી વિભવ કુમારને કેટલીક શરતો સાથે જામીન આપ્યા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી પણ કરી છે.
દિલ્હી પોલીસે વિભવની જામીનનો વિરોધ કર્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરોપી 100થી વધુ દિવસ સુધી કસ્ટડીમાં છે. મેડિકલ રિપોર્ટ મુજબ આ સામાન્ય ઈજાનો મામલો છે. બીજીતરફ દિલ્હી પોલીસે વિભવની જામીનનો વિરોધ કહ્યું કે, આ કેસમાં ઘણા મહત્વના સાક્ષીઓને હાજર કરવાના બાકી છે અને વિભવ પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તો કોર્ટે દિલ્હી પોલીસની દલીલ પર કહ્યું કે, વિભવ કુમાર આવું ન કરી શકે, તેથી આપણે કેટલીક શરતો રાખીશું.
વિભવ કુમારની 18 મેએ ધરપકડ કરવામાં આવી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ રહેલા વિભવ કુમારની 18મી મેએ ધરપકડ કરવામાં આવી હતી. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે વિભવ પર મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે 12મી જુલાઈએ વિભવની જામીન અરજી રદ કરી દીધી હતી.
‘જો આરોપી સાક્ષીઓ પર પ્રભાવ પાડશે તો...’
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, રેકોર્ડ દર્શાવે છે કે 51 સાક્ષીઓ કોર્ટમાં જુબાની આપવાના છે. કેસમાં સમય લાગશે. ન્યાયાધીશે કહ્યું કે, એડિશનલ સોલિસીટર જનરલના જણાવ્યા મુજબ આરોપી મુખ્ય સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે, તેથી જ્યાં સુધી તે સાક્ષીઓ નિવેદન ન આપે ત્યાં સુધી વિભવને જામીન આપવામાં ન આવે. આ દરમિયાન ન્યાયાધીશે એવું પણ કહ્યું કે, અમે એવી શરતો રાખવા માંગીએ છીએ કે, જેના કારણે તેઓ આવું ન કરી શકે. જો આરોપી સાક્ષીઓ પર પ્રભાવ પાડશે તો તેને જામીનનો દુરુપયોગ માનવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ શરતો સાથે આપ્યા જામીન
- આરોપી મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને ઓફિસે નહીં જાય
- મહત્વના સાક્ષીઓના નિવેદન ઝડપથી નોંધવા જોઈએ
- આરોપી અને તેની સાથે જોડાયેલા લોકો કેસ પર ટિપ્પણી નહીં કરે
- આરોપીને એવું કોઈ પદ ન આપવું જોઈએ, જેના કારણે તે કેસને પ્રભાવિત કરી શકે
- વિભવને મુખ્યમંત્રીના અંગત સચિવ કે આવી કોઈ પોસ્ટ ન આપવી જોઈએ
- જે પાર્ટી (AAP) સાથે આરોપી જોડાયેલ છે, તેના નેતાઓ આ કેસ પર ટિપ્પણી ન કરે
- કોર્ટે પોલીસ વકીલને કહ્યું કે, જો આરોપી સહકાર ન આપે તો તમે અરજી દાખલ કરી શકો છો
- ટ્રાયલ કોર્ટે ત્રણ મહિનાની અંદર મહત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવા જોઈએ