દોકલામમાં ચીનનો પણ હિસ્સો ભૂતાનના નિવેદનથી ભારતની ચિંતા વધી
- ત્રણેય દેશોએ વિવાદ સાથે મળીને ઉકેલવો જોઇએ : ભૂતાનના વડાપ્રધાન
- દોકલામ માત્ર ભારત અને ભૂતાનનો હિસ્સો હોવાના ભારતના દાવાને નબળો પાડીને ભૂતાનના વડાપ્રધાને ચીનને સમર્થન આપ્યું
- ત્રણેય દેશો વચ્ચે એક સરખાભાગે વિસ્તાર વહેંચવો જોઇએ, અમે ભારત અને ચીન સાથે ચર્ચા કરવા તૈયાર : શેરિંગ
- ચીન સરહદે ભારત 13 હજાર કરોડના ખર્ચે વધુ 37 રોડ બનાવશે, ત્રીજા તબક્કાના બાંધકામને મંજૂરી અપાઇ
- દોકલામ પર કબજો કરીને ચીન ભારતને પૂર્વોત્તર રાજ્યોથી અલગ કરવાની રણનીતિ બનાવી રહ્યું હોવાના અહેવાલ
નવી દિલ્હી : ચીન સરહદે આવેલા દોકલામ વિસ્તારને લઇને અત્યાર સુધી ભારત અને ચીન વચ્ચે જ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હવે તેમાં ત્રીજો દેશ ભૂતાન પણ જોડાયો છે. ભૂતાને પણ આ વિસ્તાર પર ચીનના દાવાને મજબૂત બનાવતું નિવેદન આપ્યું છે. અને કહ્યું છે કે ત્રણેય દેશો ભારત-ચીન અને ભૂતાને સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઇએ. ભૂતાનના આ ચીન તરફી નિવેદનથી ભારતની ચિંતા વધી શકે છે. કેમ કે ડોકલામ માત્ર ભારત અને ભૂતાનનો જ હિસ્સો છે, તેમાં ચીનને કઇ જ લેવાદેવા નથી. આ વિસ્તાર ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ ભારતે પોતાના ચીન સરહદના વિસ્તારને વધુ મજબૂત બનાવવા માટે વધુ ૩૭ રોડ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તેથી હાલ ડોકલામ અંગે ભૂતાનના વડાપ્રધાનનું નિવેદન અને બીજી તરફ ભારતના આ પ્રોજેક્ટને કારણે ચીન સરહદ ફરી ચર્ચામાં છે.
ભૂતાનના વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલુ એક નિવેદન ભારત માટે ચિંતાજનક માનવામાં આવે છે. તાજેતરમાં સેટેલાઇટ તસવીરો સામે આવી હતી જેમાં દાવો કરાયો હતો કે ચીને ભૂતાનની સરહદમાં ૧૦ જેટલા ગામડા બનાવી લીધા છે. જોકે હવે ભૂતાનના વડાપ્રધાન લોટે શેરિંગે દાવો કર્યો છે કે ચીને અમારા વિસ્તારમાં કોઇ જ ગામ નથી બનાવ્યું. સાથે જ તેમણે કહ્યું હતું કે દોકલામ વિવાદનો ઉકેલ લાવવાનું કામ માત્ર ભૂતાનનું નથી. ત્રણેય દેશોએ મળીને કામ કરવું પડશે. કોઇ દેશ મોટો કે નાનો નથી, દરેક દેશ સમાન છે. તેથી પ્રત્યેકનો હિસ્સો એક તૃત્યાંસનો છે. ભારત-ચીન-ભૂતાન સરહદે જે વિસ્તાર દોકલામ એટલે કે ટ્રાઇજંક્શન પોઇન્ટને લઇને વિવાદ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ભૂતાનના વડાપ્રધાને આ નિવેદન આપ્યું હતું. દોકલામ વિસ્તારમાં ચીનની ઘૂસણખોરીનો ભારત દ્વારા વિરોધ થતો આવ્યો છે.
દોકલામ રણનીતિની દ્રષ્ટીએ અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર માનવામાં આવે છે કેમ કે તે સિલીગુડી કોરિડોરની એકદમ નજીક છે. આ વિસ્તારનો એક હિસ્સો એવો છે કે જે ભારતના પૂર્વોત્તર રાજ્યોને દેશથી અલગ કરી શકે છે. ચીનની રણનીતિ યુદ્ધ સમયે સિલીગુડી કોરિડોર બંધ કરીને ભારતના આ વિસ્તારોને કાપી નાખવાની છે. એટલે જે ચીન દોકલામ વિસ્તારમાં અવારનવાર ઘુસણખોરી કરી રહ્યું છે. આ વિસ્તારને લઇને અત્યાર સુધી માત્ર ભારત અને ચીન વચ્ચે જ વિવાદ ચાલી રહ્યો હતો જ્યારે હવે તેમાં ભૂતાન પણ કૂદી પડયું છે અને તેણે પણ આ વિસ્તાર પર પોતાનો દાવો કરી નાખ્યો છે. એવામાં ભૂતાનના વડાપ્રધાન હવે કહી રહ્યા છે કે અમે દોકલામ મુદ્દે અમે સમજૂતી કરવા તૈયાર છીએ. ભારત અને ચીન તૈયાર થાય ત્યારે અમે પણ ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ભૂટાનના વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે જે વિસ્તારમાં ચીને ગામડા બનાવ્યાના દાવા થઇ રહ્યા છે તે ભૂતાનનો હિસ્સો નથી. એવામાં દાવા થઇ રહ્યા છે કે ભૂતાને ચીન સમક્ષ હથિયાર મુકી દીધા છે અને પોતાની જમીન ચીનને આપી દીધી છે.
ચીન સરહદે ભારત પોતાની સ્થિતિને દિવસે ને દિવસે મજબૂત બનાવી રહ્યું છે. ચીન સરહદને વધુ મજબૂત બનાવવા માટે રોડની સંખ્યા વધારવામાં આવી રહી છે. હાલ પણ રોડના કામ ચાલુ જ છે એવી સ્થિતિમાં આ સરહદે વધુ ૩૭ રોડ બનાવવા માટે સરકારે યોજના ઘડી કાઢી છે. જે પાછળ આશરે ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ૧૩૦૦૦ કરોડના પ્રોજેક્ટને ઇન્ડિયા-ચાઇના બોર્ડર રોડ (આઇસીબીઆર) પ્રોગ્રામ અંતર્ગત મંજૂર કરવામાં આવ્યો છે. જેમાંથી ૭૦ ટકા રોડ માત્ર અરુણાચલ પ્રદેશમાં જ બનાવવામાં આવશે. હાલમાં આ પ્રોજેક્ટના પ્રથમ અને બીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે.
પ્રથમ અને બીજા તબક્કામાં ૧૪૩૫ કિમીના રોડ બનાવવામાં આવી રહ્યા છે જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કીમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ શરૂઆતના તબક્કાના રોડ પાછળ ૧૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. જ્યારે ત્રીજા તબક્કા માટે વધુ ૩૭ રોડ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આઇસીબીઆર પ્રોજેક્ટનો મૂળ હેતુ ચીન સરહદે એવા રોડ તૈયાર કરવાનો છે કે જે ચીન સાથે કોઇ પણ પ્રકારની તકરારમાં ભારતીય સૈન્યને મદદરૂપ થઇ શકે. રોડ ઉપરાંત ટનલ, બ્રિજનું કામ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત પુર જોશમાં ચાલી રહ્યું છે. એવા અહેવાલો છે કે ત્રીજા તબક્કામાં ૩૭ રોડ બનાવવાના પ્રોજેક્ટને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ચીન દ્વારા પણ બાંધકામ વધી રહ્યું છે. ચીન પોતાના વિસ્તારમાં રોડ, પુલ બનાવી રહ્યું હોવાની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી ચુકી છે. ૩૭માંથી ૨૦ જેટલા રોડ હાલ બનાવવા શક્ય છે જ્યારે બાકીના રોડનું કામ ત્યારે શરૂ કરાશે જ્યારે પ્રથમ અને બીજા તબક્કાનું કામ પૂર્ણ થઇ જાય. સુત્રોએ જણાવ્યું હતું કે આ સમગ્ર બાંધકામ સાથે સંકળાયેલી એજન્સીને સરકારે આદેશ આપ્યા છે કે શક્ય હોય એટલા વધુ ઝડપથી આ વિસ્તારમાં રોડ અને અન્ય બાંધકામ પૂર્ણ કરી લેવામાં આવે. પ્રથમ તબક્કાના ૨૫ રોડ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં જ બનીને તૈયાર થઇ જાય તેવી શક્યતાઓ છે. જ્યારે બીજા તબક્કામાં ૨૫ પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. ફોરેસ્ટ ક્લિયરંસને કારણે કામમાં વિલંબ થઇ રહ્યું હોવાના અહેવાલો છે.