'ભાજપ પાસે બહુમત નથી, જલ્દી કરાવો ચૂંટણી', આ રાજ્યમાં કોંગ્રેસના દાવાથી રાજકીય હડકંપ
Haryana Political Crisis: હરિયાણામાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ થઈ શકે છે. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'રાજ્યમાં ભાજપ સરકાર પાસે બહુમતી નથી. તેથી જલ્દી ચૂંટણી કરાવો.' આ ઉપરાંત તેમણે રાજ્યપાલને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી છે.
કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ શું કહ્યું?
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'અમે રાજ્યમાં હોર્સ ટ્રેડિંગ રોકવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી રહ્યા છીએ. ભાજપ સરકાર લઘુમતીમાં છે, કારણ કે સરકાર પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે વર્તમાન વિધાનસભા ગૃહને 87 ધારાસભ્યોની બહુમતી માટે 44 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણી માટે સંખ્યા નથી. પરંતુ જો 16 વધુ ધારાસભ્યો સમર્થન આપે તો ચૂંટણી લડી શકાય છે.' નોંધનીય છે કે, 11મી મેના રોજ કોંગ્રેસે હરિયાણા સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. હવે કોંગ્રેસે પોતાનો પ્લાન બદલી નાખ્યો છે અને ફ્લોર ટેસ્ટના બદલે વિધાનસભા ભંગ કરવાની માગ કરી છે.
વિધાનસભા ભંગ કરવાથી કોંગ્રેસને ફાયદો થશે!
લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ સુધારો થયો છે. કોંગ્રેસની બેઠકો 0થી વધીને 5 અને મતની ટકાવારી પણ વધીને 46 ટકા થઈ ગઈ છે. એવામાં કોંગ્રેસનું માનવું છે કે હરિયાણાનો રાજકીય માહોલ તેમના પક્ષમાં છે. તેથી જો વિધાનસભા ભંગ કરીને ચૂંટણી યોજાય તો તેનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. લોકસભા ચૂંટણીમાં 50થી વધુ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ભાજપ કરતા વધુ લીડ મળી છે, જે વિધાનસભા ચૂંટણીમાં તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.