ભૂપેશ બઘેલ મહાદેવ એપના રૂ. 5000 કરોડના કૌભાંડના કારણે ડૂબ્યા
દુબઈમાં આલિશાન લગ્ન સમારંભમાં બોલીવૂડની હાજરીથી કૌભાંડ ખુલ્યું
જ્યુસની દુકાન ધરાવતા સૌરભ અને ટાયર રિપેર કરનારા રવિ ઉપ્પલે દુબઈના શેખ અને પાકિસ્તાની નાગરિક સાથે મળીને એપ તૈયાર કરી
નવી દિલ્હી: છત્તીસગઢમાં કોંગ્રેસની કારમી હાર પાછળ જે મહાદેવ બુક બેટિંગ એપને જવાબદાર માનવામાં આવી રહી છે, તેની કહાણી હંસલ મહેતાની જાણીતી સીરિઝ સ્કેમથી પણ ચડિયાતી છે. નિમ્ન મધ્યમ ક્લાસમાંથી આવતા અને ઓછું ભણેલા ભેજાબાજોએ બજારમાંથી રૂપિયા ૫,૦૦૦ કરોડ સેરવી લીધાનો ઈડીએ આરોપ લગાવ્યો હતો. મહાદેવ બુક સટ્ટાબાજીની એપ્લિકેશન પાછળ એક જૂથના બે નામો ચર્ચામાં છે, જે સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ હોવાનો ઈડીનો આરોપ છે. પહેલો માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રાકર અબજોપતિ બન્યા પહેલા જ્યુસની દુકાન ધરાવતો હતો અને તેનો પાર્ટનર-ઈન-ક્રાઈમ રવિ ઉપ્પલ પહેલા ટાયર રિપેર કરવાની દુકાન ચલાવતો હતો. ભાજપનો આરોપ હતો કે, મહાદેવ એપના સંચાલકોએ ભૂપેશ બઘેલને મોટી રકમની ચૂકવણી કરી હતી.
સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે મહાદેવ બુક સટ્ટાબાજીની એપ્લિકેશનની શરૂઆત કરી હતી. જ્યુસ કોર્નર માલિક સૌરભ અને ટાયર રિપેર કરનાર રવિને પૈસા કમાવવાની લાલચમાં સટ્ટાબાજીની લત લાગી ગઈ અને ત્યારબાદ તેઓ પોતાની જ સટ્ટાબાજી એપ શરૂ કરવા દુબઈ પહોંચી ગયા હતાં. અહેવાલો મુજબ, તેઓ દુબઈમાં એક શેખ અને પાકિસ્તાની નાગરિકને મળ્યા હતાં અને તેમની મદદથી એપની શરૂઆત કરી હતી. ભારત આવ્યા બાદ તેમણે કોર ટીમની રચના કરી હતી, જેમને તેઓ ભિલાઈના એક પાનના ગલ્લા પર આકસ્મિક રીતે મળ્યા હતાં. આ ટીમમાં અનુભવી કોન્ટ્રાક્ટર, બિઝનેસમેન, બીસીએ ગ્રેજ્યુએટ અને કપડા વેપારી સામેલ હતાં. મહાદેવ એપના ફિચરમાં પોકર, તીન પત્તી અને ક્રિકેટ જેવી અનેક રમતો હતી. આ ગેમ્સ રમવા માટે કોઈપણ વ્યકિતએ યુઝર આઈડી અને પાસવર્ડ સાથે એકાઉન્ટ બનાવવું ફરજિયાત હતું. એકાઉન્ટ બનાવનાર વ્યકિતને સટ્ટાબાજીની અનેક ગેમ્સ રમવા મળતી હતી. આ યુઝર્સને શરૂઆતમાં મોટો ફાયદો થતો હતો, જેની ચૂકવણી અનામી બેન્ક ખાતાઓ દ્વારા કરવામાં આવતી હતી. જ્યારે, યુઝર્સ પોતાનું એકાઉન્ટ બનાવવામાં યુપીઆઈ અને પોતાના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતાં. રવિ અને સૌરભે ભારતભરમાં ૪,૦૦૦ પેનલો બનાવી હતી અને આ દરેક પેનલમાં ૨૦૦ યુઝર્સ હતાં. તેઓ એપના માધ્યમથી દિવસના રૂપિયા ૨૦૦ કરોડની કમાણી કરતા હતાં. દુબઈમાં સોરભ ચંદ્રાકરના ભવ્ય લગ્ન સમારંભમાં બોલીવૂડ હસ્તીઓની હાજરીએ ઈડીનું ધ્યાન કૌભાંડ તરફ ખેચ્યું હતું. આ લગ્ન દુબઈની એક આલિશાન સેવન સ્ટાર હોટલમાં યોજાયા હતા. જેમાં સૌરભ દ્વારા રૂ. ૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાન જેવા ૧૪થી ૧૫ સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. એક રિપોર્ટ મુજબ, તેમને રૂ. ૪૦ કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. આ તમામ સેલેબ્રિટીઝને છત્તીસગઢના રાયપુર સ્થિત ઈડી ઓફિસમાં હાજર રહેવાનું સમન્સ મોકલવામાં આવ્યું હતું.