દિગ્ગજ પાર્ટીના પૂર્વ ધારાસભ્યો બાદ સાંસદની પણ વિકેટ પડી, પક્ષપલટાની ઋતુમાં ભાજપ ફાવી ગયો!
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે જાણે પક્ષપલટાની ઋતુ આવી ગઈ છે. આ સૌની વચ્ચે એક રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજેડી મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (બીજેડી) ને શનિવારે મોટો ઝટકો લાગ્યો.
જાણીતા અભિનેતા અને સાંસદે પાર્ટી છોડી
પાર્ટીના કેન્દ્રાપડા લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ તથા લોકપ્રિય અભિનેતા અનુભવ મહાંતિએ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે ફક્ત સાંસદ અનુભવ મહાંતિ જ નહીં પણ કોરઈ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય આકાશ દાસ નાઇક અને ભુવનેશ્વરથી પૂર્વ ધારાસભ્ય પ્રિયદર્શી મિશ્રાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
કયા પક્ષમાં જોડાયા...
પ્રિયદર્શી મિશ્રા ભાજપમાં જોડાયા છે. જોકે અન્ય બે અભિનેતાથી નેતા બનેલા આકાશ તથા અનુભવ હાલ તેમની સ્થિતિ સ્પષ્ટ કરી શક્યા નથી. જોકે ચર્ચા એવી છે કે બંને ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ ઓડિશાના અભિનેતા અને પૂર્વ સાંસદ સિદ્ધાંત મહાપાત્ર, અરિંદમ રાય પણ બીજેડીથી રાજીનામું આપી ચૂક્યા હતા. માહિતી અનુસાર બીજેડીના સાંસદ અનુભવ મહાંતિએ તેમનું રાજીનામું બીજેડી પ્રમુખને મોકલી દીધું છે. ઉલ્લેખનીય છે કે બીજેડીએ 2024ની લોકસભા ચૂંટણી માટે કેન્દ્રાપડા લોકસભા બેઠક પરથી અંશુમાન મોહંતીને ટિકિટ આપી છે. તેમણે થોડા દિવસ પહેલા કોંગ્રેસ છોડી હતી અને બીજેડીમાં જોડાયા હતા.
અનુભવ મહાંતિની પણ અવગણના કરાઈ રહી હતી
છેલ્લા કેટલાક વર્ષોથી પારિવારિક વિવાદમાં ફસાયેલા અનુભવ મહાંતિની પાર્ટીમાં અવગણના થઇ રહી હતી. તેમને પાર્ટીના કાર્યક્રમોમાં બોલાવાઈ રહ્યા નહોતા. અનુભવને ગત પંચાયત ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીથી હટાવી દેવાયા હતા. હવે એવી ચર્ચા છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે.