કાર પલટી જતાં પતિનું મોત, કલાક બાદ પત્નીએ દીકરીને જન્મ આપ્યો, ભોપાલમાં બની રૂંવાડા ઊભા કરી દેતી ઘટના
Bhopal Road Accident: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પહેલા ભાગ્યે જ કોઈએ આવું જોયું હશે કે સાંભળ્યું હશે. અહીં, કારમાં મુસાફરી કરી રહેલા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું, જ્યારે તેની ગર્ભવતી પત્ની અકસ્માતમાં બચી ગઈ, તેમજ પતિના મૃત્યુના એક કલાક પછી તેણે પુત્રીને જન્મ પણ આપ્યો.
કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ
આ ઘટના લાલઘાટી સ્થિત હલાલપુર બસ સ્ટેન્ડ પર બની હતી. જ્યાં એક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી અને આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા મહેન્દ્ર મેવાડા અને તેમના સાઢુ સતીષ મેવાડાનું મોત નીપજ્યું હતું.
પ્રસૂતિની પીડા ઊપડતા કારમાં ભોપાલ જવા નીકળ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, રતિબાડના રહેવાસી મહેન્દ્ર મેવાડાની પત્ની બબલી ગર્ભવતી હતી અને મંગળવારે મોડી રાત્રે તેને પ્રસૂતિની પીડા ઉપડી ત્યારે મહેન્દ્ર તેની પત્ની સાથે કારમાં ભોપાલ જવા નીકળ્યો હતો. મહેન્દ્ર અને બબલી સાથે મહેન્દ્રના મમ્મી, ફઈબા અને સાઢુ પણ કારમાં હતા.
અકસ્માતમાં પતિ અને સાઢુનું મોત
રાત્રિના અંધારામાં ભોપાલના લાલઘાટી વિસ્તાર પાસે હલાલપુર બસ સ્ટેન્ડની સામે એક કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ, જેમાં પાંચેયને ઈજા થઈ. આ પછી એમ્બ્યુલન્સ દ્વારા બધાને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ મહેન્દ્ર મેવાડા અને તેમના સાઢુ સતીશને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં કૌભાંડ કરનાર અધિકારીને પટાવાળો બનાવી દેવાયો, સરકારી વિભાગમાં સન્નાટો છવાયો
અહીં પતિનું અવસાન થયું, ત્યાં પત્નીએ દીકરીને જન્મ આપ્યો
કુદરતનો ક્રમ જુઓ કે જ્યારે ડૉક્ટરોએ મહેન્દ્રને મૃત જાહેર કર્યો, તેના લગભગ એક કલાક પછી તેની પત્ની બબલીએ મોડી રાત્રે પુત્રીને જન્મ આપ્યો. દીકરીના જન્મના થોડા કલાકો પહેલાં જ તેણે તેના પિતા ગુમાવ્યા. હાલમાં માતા અને બાળક બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે.