40 વર્ષ બાદ ભોપાલ ગેસ ત્રાસદીનો ઝેરી કચરો ઉપાડાયો, ટ્રકો ભરીને ડિસ્પોઝ કરવા રવાના કરાયો
Bhopal Gas Tragedy Toxic Waste : લગભગ 40 વર્ષ પહેલાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગેસ ત્રાસદી થઇ હતી. તેમાં 5 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ત્રાસદીને માનવ ઇતિહાસની સૌથી મોટી આફતમાંથી એક ગણવામાં આવે છે. એક લાંબા ગાળા બાદ તેને બંધ પડેલા યૂનિયન કાર્બાઇડ કારખાનામાંથી લગભગ 377 ટન ખતરનાક કચરો હટાવવામાં આવ્યો છે. થોડા દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પીથમપુરમાં આ કચરાના વિરોધમાં માર્ચ નિકાળી રહ્યા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે કચરાને નિકાળતાં પહેલાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા છે અને સંબંધિત વિભાગોથી પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર કચરાને હટાવવાની પ્રક્રિયા 1 જાન્યુઆરીની રાત્રે શરૂ કરવામાં આવી હતી. ઝેરી કચરાને 12 સીલબંધ કન્ટેનર ટ્રકોમાં ભરીને ભોપાલથી 250 કિલોમીટર દૂર ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં લઇ જવામાં આવ્યો.
મધ્ય પ્રદેશ સરકાર હાઇકોર્ટની ફટકાર બાદ એક્શનમાં
મધ્ય પ્રદેશ સરકારે હાઇકોર્ટની ફટકાર બાદ આ કાર્યવાહી હાથ ધરી છે. એક અઠવાડિયા પહેલાં જ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સરકારને ફટકારને લગાવી હતી. હાઇકોર્ટે ભોપાલમાં ફેકટરી સાઇડથી કચરો ન હટાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, સતત નિર્દેશ આપવા છતાં પણ કચરાનો નિકાલ કેમ કરવામાં નથી આવી રહ્યો? જ્યારે આ અંગે સુપ્રીમ કોર્ટની સાથે-સાથે હાઇકોર્ટે પણ નિર્દેશ જારી કર્યો છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે, 'નિષ્ક્રિયતાની સ્થિતિ' વધુ એક દુર્ઘટનાનું કારણ બની શકે છે.
GPSથી સજ્જ ટ્રક સવાર-સવારમાં ફેકટરી પહોંચી
ઝેરીલા કચરાને ઇન્દોર લઈ જવા માટે સવારમાં GPSથી સજ્જ અડધો ડઝન ટ્રક યુનિયન કાર્બાઇડ ફેક્ટરી સાઇટ પર પહોંચી હતી. તેની સાથે લીક પ્રૂફ કન્ટેનર પણ હતા. ઘટના સ્થળ પર PPE કીટ પહેરેલા કર્મચારીઓ, ભોપાલ નગર નિગમના કર્મચારીઓ, પર્યાવરણીય એજન્સીઓના લોકો, ડૉક્ટરો અને કચરાનો નિકાલ કરનારા નિષ્ણાતો પણ હાજર હતા. ફેક્ટરીની આસપાસ પોલીસ જવાનોને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, યોજના હેઠળ ઇન્દોરના પીથમપુરામાં ઝેરી કચરાને બાળવામાં આવશે. આ વિસ્તાર રાજધાની ભોપાલથી લગભગ 250 કિલોમીટર દૂર છે.
250 KM લાંબો કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે
મધ્યપ્રદેશના ગેસ રાહત અને પુનર્વસન વિભાગના ડાયરેક્ટર સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે, પીથમપુરામાં ઝેરી કચરો પહોંચાડવા માટે 250 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે કચરાના પરિવહન અને નિકાલની તારીખ નથી જણાવી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, 3 જાન્યુઆરી સુધીમાં કચરો પીથમપુરા પહોંચી જશે.
3 મહિનામાં બળીને રાખ થઈ જશે કચરો!
ડાયરેક્ટર સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે શરુઆતમાં કચરાનો થોડો હિસસો પીથમપુરના કચરાના નિકાલ યુનિટમાં બાળવામાં આવશે અને તેમાં કોઈ હાનિકારક તત્ત્વ તો નથી બચ્યા ને તે જાણવા માટે તેના અવશેષો(રાખ)ની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે. જો બધું બરાબર રહ્યું તો 3 મહિનામાં કચરો બળીને રાખ થઈ જશે. પરંતુ જો બળવાની ગતિ ધીમી રહી તો 9 મહિના જેટલો સમય લાગી શકે છે. ભટ્ટી સળગતાં કચરામાંથી નીકળતો ધુમાડો 4 લેયર ફિલ્ટરમાંથી પસાર થશે જેથી આસપાસની હવા પ્રદૂષિત ન થાય. આ પ્રક્રિયાની દરેક ક્ષણ રૅકોર્ડ કરવામાં આવશે.
ડબલ લેયરની અંદર કચરો ડિસ્પોઝ કરવામાં આવશે
સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે, એકવાર જ્યારે કચરાને બાળી નાખવામાં આવશે અને નુકસાનકારક તત્ત્વોથી મુક્ત કરી દેવામાં આવશે ત્યાર પછી રાખને બે લેયરની મજબૂત 'મેમ્બ્રેન'થી ઢાંકી દેવામાં આવશે અને 'લેન્ડફિલ'માં દાટી દેવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવશે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે, કચરો કોઈપણ રીતે માટી અને પાણીના સંપર્કમાં ન આવે.
પીથમપુરાની આસપાસના લોકો કરી રહ્યા છે વિરોધ
જો કે, આ સમગ્ર પ્રક્રિયામાં એક બીજું પાસું પણ છે. પીથમપુરાની આસપાસના લોકો અને સામાજિક કાર્યકરોનું જૂથ ત્યાં કચરો સળગાવવાનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, 2015માં પીથમપુરમાં ટેસ્ટ તરીકે 10 ટન યુનિયન કાર્બાઇડ કચરાને નષ્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે આસપાસના ગામોની જમીન, ભૂગર્ભજળ અને પાણીના સ્ત્રોત પ્રદુષિત થયા છે. જોકે સ્વતંત્ર કુમાર સિંહે આ દાવાને ફગાવી દીધો હતો.
હાઇકોર્ટે સરકારને લગાવી હતી ફટકાર
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ હાઇકોર્ટે 3 ડિસેમ્બરે 4 અઠવાડિયાની અંદર ફેક્ટરીમાંથી ઝેરી કચરાને શિફ્ટ કરવાની ડેડલાઇન આપી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ ખેદજનક સ્થિતિ છે. કોર્ટે સરકારને ચેતવણી આપી હતી કે, જો સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવે તો કોર્ટના અવમાન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ કે કૈત અને જસ્ટિસ વિવેક જૈનની ડિવિઝનલ બેન્ચે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, 'અમને એ નથી સમજાતું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા સમયાંતરે નિર્દેશો આપવા છતાં પણ ઝેરી કચરો હટાવવાનું કામ કેમ શરુ થયું નથી, જ્યારે કચરો હટાવવાની યોજના 23 માર્ચ 2024ની હતી. આ મુદ્દે આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ હાઇકોર્ટમાં થશે.
પાંચ હજારથી વધુ લોકોના મોત થયા હતા
તમને જણાવી દઈએ કે, 2 ડિસેમ્બર 1984ની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઇડ પેસ્ટીસાઈડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ મિથાઇલ આઇસોસાઇનાઇટ (MIC) લીકેજ થયો હતો. આ દુર્ઘટનામાં 5,479 લોકોના મોત થયા હતા. ગેસ લીક થવાને કારણે પાંચ લાખથી વધુ લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હતી. જેની અસર આજે પણ ઘણા લોકો પર જોવા મળે છે. આ દુર્ઘટના બાદ અનેક લોકો અપંગતાનો શિકાર બન્યા હતા.