ભોપાલ: પૂર્વ મંત્રી અને BJP નેતા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ભોપાલ: પૂર્વ મંત્રી અને BJP નેતા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર 1 - image


Image Source: Twitter

-  અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકારમાં તેઓ કેન્દ્રીય મંત્રી રહ્યા હતા

ભોપાલ, તા. 12 ઓક્ટોબર 2023, ગુરૂવાર

Sartaj Singh Death: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. સરતાજ સિંહ 5 વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકારમાં તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. 

ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ સરતાજ સિંહનો પરિવાર ઈટારસીમાં આવીને સ્થાયી થઈ ગયો હતો. પ્રથમ વખત 1971માં સરતાજ સિંહ ઈટારસી નગર પાલિકાના કાર્યવાહક નગર પાલિકા અધ્યક્ષ બન્યા હતા. 2008થી 2016 સુધી તેઓ મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહ્યા હતા. 

5 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

સરતાજ સિંહ 5 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1989થી 1996ના સમયગાળામાં તેમણે નર્મદાપુરમ સંસદીય બેઠક પરથી સતત ત્રણ વખત રામેશ્વર નીખરાને હરાવ્યા હતા જ્યારે 1998ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસી ઉમેદવાર અર્જૂન સિંહને હરાવ્યા હતા. 2004માં પણ તેમણે લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. તેઓ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. 2008માં હોશંગાબાદ જિલ્લાની સિવની માલવા વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડી તેમણે કોંગ્રસ ઉમેદવાર હજારીલાલ રઘુવંશીને હરાવ્યા હતા. 2013ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ફરી જીત મેળવી અને મંત્રી બન્યા હતા. 2018ની ચૂંટણીમાં સીતાશરણ શર્માથી હારી ગયા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાના બીજેપીમાં જવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો

2018ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં રહીને સરતાજ સિંહે જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષ બદલવાને યોગ્ય ઠેરવ્યું હતું. તેણે કહ્યું હતું કે આ નિર્ણયમાં તે સિંધિયાની સાથે છે. તે સમયે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કદાચ સરતાજ સિંહ પણ BJPમાં વાપસી કરશે. જોકે, તેણે તરત જ આવું કર્યું ન હતું. પેટાચૂંટણી બાદ સરતાજ સિંહ ભોપાલના દશેરા મેદાનમાં આયોજિત બીજેપીના કિસાન સંમેલનમાં તેમણે પાર્ટીમાં વાપસી કરી હતી. 



Google NewsGoogle News